રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તે માટે 3૦૦ જેટલા ટ્રાફિક પોલીસ કાર્યરત રહેશે
રાજકોટ લોકસભાની બેઠકની મત ગણતરી કણકોટ ખાતેની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાવાની છે જ્યાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રસ્તાઓ ઉપર પણ ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મત ગણતરી કેન્દ્રની આસપાસના રસ્તાઓ ઉપર વાહનો માટે પ્રવેશબંધી પણ જાહેર કરવામાં આવ્યું છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મત ગણતરી કેન્દ્ર ખાતે ૪ એસીપી, ૮ પીઆઈ, ૩૫ પીએસઆઈ અને પોલીસમેનો મળી અંદાજે ૪૫૦ જેટલો પોલીસ સ્ટાફ તહેનાત રહેશે. આ ઉપરાંત મત ગણતરી કેન્દ્ર તરફ જતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત રહેશે.
ટ્રાફિક પોલીસના માણસો અને અધિકારીઓ મળી કુલ ૩૦૦નો સ્ટાફ ટ્રાફિક બંદોબસ્ત જાળવશે. આ રીતે મત ગણતરી કેન્દ્ર અને રસ્તાઓ ઉપર અંદાજે ૭૫૦થી વધુ પોલીસ અધિકારીઓ અને માણસોનો બંદોબસ્ત રહેશે. મત ગણતરી કેન્દ્ર આસપાસ ઘોડાધાર મંદિર (સૂર્યમુખી ચોક)થી એન્જિનિયરિંગ કોલેજથી લઈ ચોથી ચોક સુધીના રસ્તા પર તમામ વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
આ ઉપરાંત ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજથી પાટીદાર ચોક સુધી ભારે વાહનો માટે પણ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જે અંગેનું જાહેરનામું પણ પોલીસે બહાર પાડયું છે. આ જાહેરનામું આગામી તા. ૪ના રોજ સવારે પથી લઇ સાંજના ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે. જે રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેના વૈકલ્પિક રૂટ, પાર્કિંગના સ્થળોની યાદી પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે.


