- ફરિયાદી વિરુદ્ધ ક્રિકેટ સટ્ટા બેટિંગનો નોંધાયો હતો ગુનો
- ગુનામાં ચાર્જશીટ ઝડપથી કરી આપવા માંગી હતી લાંચ
- ફરિયાદીએ ACBને ફરિયાદ કરતાં ગોઠવ્યું હતું છટકું
એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્ર ઊભું કરવાના દાવાઓ કરી રહી છે તો બીજી બાજુ સરકારી અધિકારીઓ અને ભ્રષ્ટ કર્મચારીઓને પકડનાર અને કાયદો વ્યવસ્થા જાળવવામાં જેમની મોટી ભૂમિકા હોય છે તેવા પોલીસ અધિકારીઓ જ લાંચ કીચડમાં ખદબદ હોય તેવા અનેક પુરાવાઓ મળતા રહે છે. ત્યારે, અમદાવાદથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ASI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ACBના હાથે ઝડપાઇ ગયા છે.
અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યૂરોને ફરિયાદ મળી હતી કે સાયબર ક્રાઇમ પો.સ્ટે, શાહીબાગના પોલીસ ઇન્સ્પેકટર બી.એમ.પટેલ, હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ પટેલ અને ASI ગૌરાંગકુમાર ગામેતીએ ફરિયાદી પાસેથી 10 લાખની લાંચ માંગી હતી. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવીને ASI અને હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડયા હતા.
કેસની વિગતો એવી છે કે ફરીયાદી વિરુધ્ધમાં ક્રિકેટ સટ્ટા બેટીંગનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જેની ચાર્જશીટ ઝડપથી કરી આપવા ફરીયાદી પાસે PI બી. એમ. પટેલ દ્વારા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેને પગલે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. જેને પગલે ACBએ સીંધુભવન હોલ પાસે જાહેર રસ્તા પર છટકું ગોઠવ્યું હતું. છટકા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ કુવરાભાઇ પટેલ અને AIS ગૌરાંગકુમાર દિનેશભાઇ ગામેતી 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જોકે, મુખ્ય આરોપી PI બી. એમ. પટેલ હાલ ACBની પકડથી દૂર છે.


