અપરા ઇયમઇત: તુ અન્યામપ્રકૃતિમવિદ્ધિમેપરામ II
જીવભૂતાં મહાબાહો યયેદંધાર્યેતજગતા: II 7/5 II
અર્થ : હે મહાબાહો, આ પ્રકૃતિને અપરા કહેવામાં આવે છે, હવે આ અપરા પ્રકૃતિથી શ્રેષ્ઠ એવી મારી પરા પ્રકૃતિને જીવરૂપે રહેલી જાણ; જેના વડે આ જગત નભી રહ્યું છે.
ચોથા શ્લોકમાં ભગવાને જે આઠ ભાગની પ્રકૃતિની (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર) ચર્ચા કરી હતી તેને ભગવાન અપરા એટલે કે નિમ્ન પ્રકારની પ્રકૃતિ ગણાવે છે અને તેના કરતાં પણ જે શ્રેષ્ઠ છે એવી પરા અર્થાત્ જીવ પ્રકૃતિની અહીં વાત કરી છે. ઉપર દર્શાવેલાં પાંચ તત્ત્વોથી બનનારો દેહ તેનામાં જ્યાં સુધી જીવ પ્રવેશે નહીં ત્યાં સુધી કશા જ કામનો નથી. જીવના પ્રવેશ્યા પછી જ મન બુદ્ધિ અને અહંકારનું તે દેહમાં પ્રાગટ્ય થાય છે. આમ, જગતમાં જે ભૌતિક સૃષ્ટિ દેખાય છે તે ભગવાનની અપરા પ્રકૃતિને આભારી છે જ્યારે જ્યાં જ્યાં ચેતન દેખાય છે. ફળ, ફૂલ, વનસ્પતિ અને દરેક જીવંત સૃષ્ટિ કે વ્યક્તિત્વ એ ભગવાનની ઉત્તમ એવી પરા અર્થાત્ જીવ નામની પ્રકૃતિના આધારે જ છે. આ પરા પ્રકૃતિને કારણે જ જગત નભી રહ્યું છે. જો દરેક દેહમાંથી જીવ જતો રહે તો તે થોડા જ દિવસમાં નાશ થવા લાગે છે અને ક્રમશ: તે જે પાંચ તત્ત્વોમાંથી બનેલો છે તેમાં વિલીન થઇ જાય છે. આ જગત કે સૃષ્ટિના અસ્તિત્વ માટે અપરા અને પરા એમ બંને પ્રકૃતિની જરૂર છે. આ બંને પ્રકૃતિનો ઉદ્ભવ ઈશ્વરમાંથી થયો છે છતાં આ બંનેમાં શ્રેષ્ઠ પરા પ્રકૃતિ એટલે કે જીવાત્મા છે. જ્યાં જીવ નથી ત્યાં કશું નથી, સૌંદર્ય, પ્રકાશ, આનંદ, ઉલ્લાસ, સુગંધ – બધું જ જીવને જ આભારી છે. આપણે અપરા અને પરા બંને પ્રકૃતિના પરિણામ સ્વરૂપે અવતરણ પામ્યા છીએ, તે સત્ય પારખીને તેને પ્રગટ કરનારા ઈશ્વરને સમર્પિત થઇએ એ જ ઇષ્ટ છે.
એતદ્યોનિનિભૂતાનિસર્વાણિ ઇતિ ઉપધારયII
અહમકૃત્સ્નસ્ય જગત: પ્રભવ: પ્રલય: તથા II 7/6 II
અર્થ : સર્વ પ્રાણીઓ આ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયાં છે એમ તું જાણ અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક હું જ છું.
આગળના શ્લોકમાં એ બાબતે સ્પષ્ટતા થઇ છે કે સમગ્ર જગત બે પ્રકૃતિથી જ અસ્તિત્વમાં આવેલું છે. એક અપરા અને બીજી પરા. આ બંને પ્રકૃતિ ઈશ્વરને આધીન છે. પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને પાણી એ પંચતત્ત્વોમાંથી દરેક દેહનું નિર્માણ થાય છે. પછી તેમાં પરા પ્રકૃતિ એટલે કે જીવ-આત્મા પ્રવેશે છે એટલે તે જીવંત થાય છે. તે પછી જ તેનામાં મન બુદ્ધિ અને અહંકારનું પ્રાગટ્ય થાય છે. બાળકનો પ્રસવ ત્યારે જ શક્ય બને છે જ્યારે તેનામાં જીવ આવેલો હોય. જીવ વિનાના દેહનો વિકાસ પણ અટકી જાય છે. મનુષ્યને બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા, આધેડપણું અને પ્રૌઢતા ક્રમશ: આવે છે, તે તેનામાં રહેલા જીવને લીધે જ થાય છે. ભગવાન અહીં વધારો ચોક્કસ કરે છે કે જગતના ઉત્પાદક એટલે કે જન્મદાતા અને મારક એટલે કે સંહારક પણ તે પોતે જ છે. વર્ષ દરમિયાન ઠંડી-ગરમી-ચોમાસું, સુનામી, વાવાઝોડાં, ભૂકંપ, વસંત-પાનખર જે કંઇ આવે છે તે ઈશ્વરના સંકેતથી જ આવે છે. ઉનાળામાં સુકાયેલી નદીનો વિશાળ પટ ચોમાસામાં પાણીના પ્રવાહથી ધસમસતો થઇ જાય છે. આ શક્તિ કોની છે? ઈશ્વર જ આ બધું કરી શકે છે. ખરેખર ઈશ્વરની શક્તિ અપરંપાર અને અદ્ભુત છે તેની તોલે કોઇ આવી શકે જ નહીં.