વિશ્વ પર્યાવરણ દિવસ-વિષવ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ ડિવિઝનનો હરિત સંકલ્પ; 80થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રહરીઓનું સન્માન
વૃક્ષારોપણ, પુરસ્કાર વિતરણ, ચિત્રકલા પ્રદર્શન અને જન-જાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પર્યાવરણ પ્હરિઓનું સન્માન
અગ્ર ગુજરાત,રાજકોટ
વિશ્વ પર્યાવરણ દિવસ-2026 અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 15 મેથી 05 જૂન, 2026 સુધી ચલાવવામાં આવેલા વિશેષ પર્યાવરણ સંરક્ષણ અભિયાનનું સમાપન આજે આરડીએસએ (RDSA) ક્રિકેટ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજિત ભવ્ય વૃક્ષારોપણ અને પુરસ્કાર વિતરણ સમારોહ સાથે થયું હતું.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક (Sr. DCM) સુનિલ કુમાર મીનાએ જણાવ્યું કે, કાર્યક્રમની શરૂઆત ડિવિઝન રેલ પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીના દ્વારા પર્યાવરણ સંરક્ષણના શપથ લેવડાવીને કરવામાં આવી હતી. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ માત્ર કોઈ એક દિવસ પૂરતો સીમિત વિષય નથી, પરંતુ તે દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. તેમણે વધુમાં વધુ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે આહ્વાન કર્યું હતું.
ત્યારબાદ, વરિષ્ઠ ડિવિઝન યાંત્રિક ઈજનેર (Sr. DME) મેઘરાજ તાતેડે ત્રણ અઠવાડિયા સુધી ચાલેલા આ વિશેષ અભિયાન દરમિયાન આયોજિત વિવિધ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા પ્રવૃત્તિઓ અને વૃક્ષારોપણ અભિયાનોની સિદ્ધિઓની વિગતવાર માહિતી રજૂ કરી હતી.
ત્યારપછી વરિષ્ઠ ડિવિઝન કાર્મિક અધિકારી (Sr. DPO) અમૃત સોલંકી દ્વારા આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ (Sustained Development) ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા રેલવે કર્મચારીઓ, સહભાગીઓ અને સામાજિક સંસ્થાઓને પ્રશસ્તિ-પત્ર તથા સ્મૃતિ-ચિહ્ન એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ‘સદ્ભાવના વૃદ્ધાશ્રમ’ને રાજકોટ ડિવિઝનના વૃક્ષારોપણ અભિયાનોમાં નિરંતર સહયોગ, છોડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સમર્પિત યોગદાન બદલ વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ સ્થળ પર આયોજિત ચિત્રકલા પ્રદર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. પ્રદર્શનમાં સહભાગીઓ દ્વારા પર્યાવરણ અને જળ સંરક્ષણ, વૃક્ષારોપણ તેમજ સ્વચ્છ પૃથ્વી જેવા વિષયો પર તૈયાર કરાયેલી સર્જનાત્મક કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે જ આયોજિત હસ્તાક્ષર અભિયાનમાં અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત તમામ લોકોએ ઓછામાં ઓછા 100-100 છોડ વાવવાનો અને તેમનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો.
સમારોહ દરમિયાન આરડીએસએ (RDSA) ક્રિકેટ ગ્રાઉન્ડ પરિસરમાં 25થી વધુ છોડ રોપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ સમગ્ર અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં 80થી વધુ સ્થળોએ વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ કોચિંગ એન્ડ વેગન ડેપો દ્વારા પ્લેટફોર્મ ઓફિસમાં બાયો-ટોયલેટની યોગ્ય જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ વિષય પર આધારિત એક જાગૃતિ શોર્ટ ફિલ્મ (લઘુ ચલચિત્ર) પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. તેના માધ્યમથી બાયો-ટોયલેટનો સાચો ઉપયોગ, જાળવણી તેમજ તેને ચોક (અવરુદ્ધ) થતા અટકાવવાના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝન ના અપર મંડળ રેલ પ્રબંધક (ADRM) શ્રી બ્રિજેશ કુમાર સિંહ, ડિવિઝનના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોની નોંધપાત્ર ભાગીદારી રહી હતી. તમામ લોકોએ પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને હરિત વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
આ આયોજન પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જન-જાગૃતિ વધારવા, હરિયાળા વાતાવરણના નિર્માણ અને ભાવી પેઢીઓ માટે સ્વચ્છ તથા સુરક્ષિત પર્યાવરણ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ સાબિત થયું.


