અવધાનનો અર્થ આપણે શો કરીએ છીએ? ધ્યાનનો અર્થ શો? શું હું જ્યારે મારા મનને ધ્યાન આપવા માટે બળજબરી કરું ત્યારે તે શું ધ્યાન આપ્યું કહેવાય? `મારે ધ્યાન આપવું જ જોઈએ, આથી મારે મારા મનનું નિયંત્રણ કરવું જ જોઈએ અને બીજી બધી બાબતો એક બાજુ મૂકી દેવી જોઈએ.’ શું તેને તમે ધ્યાન આપવું કહો છો?
ચોક્કસપણે, તે ધ્યાન નથી. જ્યારે મન પોતાને ધ્યાન આપવા માટે દબાણ કરે છે ત્યારે શું થાય છે? તે બીજા વિચારોને મનમાં આવતા રોકે છે; તે પ્રતિકાર સર્જે છે; તેનો સંબંધ વિરોધ સાથે છે, દૂર કરવા સાથે તે સંબંધિત છે, તેથી તે ધ્યાન આપવા માટે અસમર્થ છે. આ સાચું છે, શું તે સાચું નથી?
કંઈ પણ સંપૂર્ણપણે સમજવા માટે તમારે તેના પર તમારું પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ, પરંતુ તમને તરત જ જણાશે કે તે કેટલું બધું મુશ્કેલ છે, તે અસાધારણપણે મુશ્કેલ છે, કારણ કે તમારું મન ભટકવા માટે કે ફંટાઈ જવા માટે ટેવાયેલું છે, તેથી તમે કહો છો, `અરે! ધ્યાન આપવું એ તો સારી વાત છે, પરંતુ મારે ધ્યાન કેવી રીતે આપવું?’ એટલે કે ફરી પાછા તમે ઠેરના ઠેર… કાંઈક મેળવવાની ઈચ્છા ઉપર આવી ગયા, આમ તમે ક્યારેય સંપૂર્ણ ધ્યાન આપી શકતા જ નથી. દા.ત. જ્યારે તમે કોઈ વૃક્ષ કે કોઈ પક્ષીને જુઓ છો ત્યારે પૂરેપૂરું ધ્યાન આપવું એટલે એવું કાંઈ નથી કહેવાનું કે `તે ઓકનું વૃક્ષ છે’ અથવા `તે પોપટ છે’, માત્ર ત્યાંથી પસાર થઈ જવું. તેને નામ આપો તે જ સમયે તમારું ધ્યાન આપવાનું અટકી જાય છે. તેને બદલે જો તમે જ્યારે કોઈ વૃક્ષને જુઓ ત્યારે જો તમે તેને સંપૂર્ણપણે સમજો, પૂરેપૂરું ધ્યાન આપો તો તમને જણાશે કે એક સંપૂર્ણ પરિવર્તન થાય છે અને સંપૂર્ણ અવધાન સારું છે. તેનો બીજો કોઈ વિકલ્પ નથી અને તમે સંપૂર્ણ ધ્યાન-અવધાન- અભ્યાસ દ્વારા કેળવી ન શકો. અભ્યાસ કરવાથી તમે એકાગ્રતા મેળવી શકો. તમે પ્રતિકારની દીવાલ ચણો છો અને ધ્યાની એ દીવાલની અંદર જ રહે છે, પરંતુ તે ધ્યાન નથી, તે બીજી બધી બાબતોને દૂર કરવાની ક્રિયા છે.
ભયને કાઢવો એ અવધાનની શરૂઆત છે
ધ્યાનની અવસ્થા કેવી રીતે મેળવવી? તે ધાર્મિક માન્યતાથી, સરખામણી કરવાથી, બદલો લેવાથી કે સજા કરવાથી કેળવી નથી શકાતી, આ બધાં બળજબરીનાં સ્વરૂપો છે. ભયને દૂર કરવો એ ધ્યાન આપવાની શરૂઆત છે. જ્યાં સુધી સફળતાની પાછળ દોડવાનું, કાંઈક બનવાની કે થવાની ઈચ્છા તેની હતાશા અને ત્રાસદાયક વિરોધાભાસો મનમાં હોય ત્યાં સુધી ભયનું અસ્તિત્વ રહેવાનું જ. તમે એકાગ્રતા શીખવી શકો, તે રીતે કદાચ તમે ભયથી મુક્ત થતાં ન શીખી શકો, પરંતુ ભય ઉત્પન્ન કરતાં પરિબળોને સમજવાથી ભય નીકળી જાય છે તેમ ધ્યાન આપતાં શીખવી ન શકાય, અવધાન શીખવી ન શકાય. જ્યારે કોઈ વિદ્યાર્થીની આસપાસ કુશળતાની ભાવનાવાળું વાતાવરણ હોય, જ્યારે તેનામાં સલામતીની ભાવના હોય, ધરપત હોય અને નિરસ કાર્યનું અવધાન પ્રેમથી આવ્યું હોય ત્યારે આપોઆપ, કારણ વગર જ તત્ક્ષણ ધ્યાન પ્રગટે છે. પ્રેમ સરખામણી નથી કરતો, એ જ રીતે ઈર્ષ્યા અને યાતના પણ અટકી જાય છે. ત્યારે કાંઈ બનવાની ભાવના અટકી જાય છે.