સ્ટાર ખેલાડી કિલિયન મબાપેના શાનદાર ગોલ અને એક ગોલમાં સાથી ખેલાડીને કરેલી સહાયતાની મદદથી રિયલ મેડ્રિડે લા લીગા ફૂટબોલ ટૂર્નામેન્ટમાં સેવિલાને 4-2થી હરાવીને પોતાની પરંપરાગત હરીફ બાર્સેલોનાને પાછળ રાખીને પોઇન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું.
ક્રિસમસ વેકેશન ઉપર જતાં પહેલાં લીગમાં પોતાનો છેલ્લો મુકાબલો રમનાર રિયલ મેડ્રિડ માટે મબાપેએ 10મી અને ફેડરિકો વાલ્વેર્ડેએ 20મી મિનિટે ગોલ કરીને ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. રોડ્રિગોએ ગોલ કરી મેડ્રિડને 3-0થી આગળ કરી હતી. ઇસાક રોમેરોએ 35મી મિનિટે સેવિલા માટે ગોલ નોંધાવ્યો હતો. બ્રાહ્મી ડિયાઝે 53મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફોરવીને મેડ્રિડને 4-1થી આગળ કરી હતી. મેચમાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે ડોડી લુકેબાકિયોએ 85મી મિનિટે સેવિલા માટે ગોલ કર્યો હતો. સ્પેનની પેરિસ સેન્ટ જર્મેન ક્લબથી રિયલ મેડ્રિડમાં ટ્રાન્સફર થયેલા મબાપેએ તમામ લીગમાં 14મો ગોલ નોંધાવ્યો હતો. સેવિલાએ સબસ્ટિટયૂટ નાવાસને અંતિમ મિનિટોમાં મેદાનમાં ઉતાર્યો હતો. તેણે કારકિર્દીમાં 705મી તથા છેલ્લી મેચ રમી હતી. તેના સિવાય અન્ય કોઇ ફૂટબોલર આટલી મોટી સંખ્યામાં લીગ મેચો રમ્યો નથી. બંને ટીમના ખેલાડીઓ તથા સમર્થકોએ ઉભા થઇને તેનું અભિવાદન કર્યું હતું.


