ઈટાલીના મિલાનમાં આઉટડોર સ્મોકિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઈકોનોમી અને ફેશન કેપિટલ મિલાન શહેરમાં રસ્તાઓ કે ભીડવાળા વિસ્તારોમાં સ્મોકિંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરતો જોવા મળશે તો તેને તગડો દંડ થઈ શકે છે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2025થી લાગુ કરવામાં આવ્યો છે.
જો નિયમનો કર્યો ભંગ તો લાગશે મોટો દંડ!
ત્યારે હવે પ્રશ્નએ થાય છે કે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો? તમને જણાવી દઈએ કે સિટી કાઉન્સિલે 2020માં મિલાનનો એર ક્વોલિટી વટહુકમ પસાર કર્યો હતો. જેમાં સ્મોકિંગ પર કડક પ્રતિબંધની માગ કરવામાં આવી હતી. તે 2021માં શરૂ થયું, ત્યારબાદ ઉદ્યાનો અને રમતના મેદાનો તેમજ બસ સ્ટોપ અને રમતગમત સુવિધાઓમાં સ્મોકિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ શહેરમાં લાદવામાં આવેલા નવા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરશે તો તેને 40થી 240 યુરો એટલે કે (3,558થી 21,353 રૂપિયા)નો દંડ ભરવો પડશે.
હવાની ગુણવત્તામાં આવશે સુધારો
શહેરના સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ પગલાનો હેતુ શહેરની હવાની ગુણવત્તા સુધારવા અને નાગરિકોના સ્વાસ્થ્યને સુધારવાનો છે. ઈટાલિયન ટોબેકોનિસ્ટ ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ ઈમેન્યુએલ મેરિનોનીએ જણાવ્યું હતું કે આનાથી બિઝનેસમાં 20થી 30 ટકાનો ઘટાડો આવી શકે છે. તમને જણાવી દઈએ કે ઈ-સિગારેટ પર આ પ્રતિબંધ લાગુ પડતો નથી, અમે તમને જણાવી દઈએ કે મિલાન શહેર હવાની ગુણવત્તાના મામલે યુરોપના સૌથી પ્રદૂષિત શહેરોમાંથી એક છે.
દર વર્ષે 93,000 લોકો સ્મોકિંગને કારણે મૃત્યુ પામે છે
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટેટિસ્ટિક્સ (ISTAT)ના 2023 માટે બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ દેશના લગભગ 19 ટકા રહેવાસીઓ ધૂમ્રપાન કરે છે. સિગારેટ, જેની કિંમત ઈટાલીમાં સરેરાશ 6 યુરો છે, તે યુરોપની સૌથી સસ્તી સિગારેટમાંની એક છે, જ્યાં લગભગ 10 યુરોની કિંમત સૌથી સામાન્ય છે. ઈટાલીના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે દર વર્ષે 93,000 લોકો સ્મોકિંગને કારણે મૃત્યુ પામે છે. આ સિવાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને માહિતી આપી છે કે વિશ્વભરમાં ફેફસાના કેન્સરના લગભગ 85 ટકા કેસનું કારણ સ્મોકિંગ છે.


