ભારતના રોહન બોપન્ના અને ચીનની ઝાંગ શુઆઇની અનુભવી જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઇન્ડો-ચાઇનીઝ જોડીને બીજા રાઉન્ડની મેચમાં વૉકઓવર મળ્યો હતો. બોપન્ના અને શુઆઇનો મુકાબલો અમેરિકાની ટેલર ટાઉનસેન્ડ અને મોનાકોના હ્યુગો નિસની જોડા સાથે હતો, પરંતુ ચોથી ક્રમાંકિત આ જોડી મેચમાં રમવા માટે મેદાન પર ઊતરી શકી નહોતી.
જે કારણે ભારત અને ચીનની આ જોડીને કોર્ટ પર ઊતર્યા વિના જ વૉકઓવર મળ્યો હતો અને તે અંતિમ આઠમાં પહોંચી ગઇ હતી. બોપન્ના અને શુઆઇની જોડીએ આ પહેલા પોતાની પ્રારંભિક મેચમાં ફ્રાન્સની ક્રિસ્ટીના મ્લાદેનોવિચ અને ક્રોએશિયાના ઇવાન ડોડિકની જોડીને સીધા સેટમાં 6-4,6-4થી પરાજય આપ્યો હતો.દરમિયાન બોયઝ સિંગલ્સની મેચમાં ભારતનો ક્રિશ ત્યાગી પોતાની પહેલી મેચમાં જ સ્વિસ ખેલાડી નિકોલા જોસિક સામે 1-6, 2-6થી સીધા સેટમાં પરાજિત થયો હતો. ક્રિશને પોતાની સર્વિસમાં ભારે સમસ્યા નડી રહી હતી અને તેણે 52 મિનિટ ચાલેલી મેચમાં 29માંથી માત્ર 12 પોઇન્ટ જ મેળવ્યા હતા.


