2025 ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડની જીતથી યજમાન પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું. રાવલપિંડીમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું.
પાકિસ્તાનને ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ભારતે બીજી મેચમાં પણ પાકિસ્તાનને હરાવ્યું. આ પછી, પાકિસ્તાન ટીમની આશા બાંગ્લાદેશથી હતી, પરંતુ બાંગ્લાદેશની ટીમ આજે ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ. આ સાથે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. રાવલપિંડીમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું છે.
બાંગ્લાદેશે બનાવ્યા 236 રન
આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 236 રન બનાવ્યા. જવાબમાં, ન્યુઝીલેન્ડે રચિન રવિન્દ્રની શાનદાર 112 રનની સદીની મદદથી 46.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો. રચિન સિવાય ટોમ લેથમે પણ અડધી સદી ફટકારી. તેને 55 રનની ઈનિંગ રમી. ICC ODI ટુર્નામેન્ટની માત્ર 11 ઈનિંગ્સમાં રચિન રવિન્દ્રની આ ચોથી સદી હતી.
તમને જણાવી દઈએ કે ભારત સામેની હાર બાદ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જશે તે નિશ્ચિત હતું. હવે ફક્ત યજમાન ટીમના બહાર નીકળવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું મોડેલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે દરેક મેચ લગભગ નોકઆઉટ જેવી હોય.
સેમિફાઈનલમાં પહોંચ્યું ભારત અને ન્યુઝીલેન્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઈનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. બાંગ્લાદેશની હાર સાથે, ગ્રુપ A ની બે ટીમો નક્કી થઈ ગઈ છે. હવે ગ્રુપ Bમાંથી બે ટીમો આવશે અને ત્યારબાદ 4 માર્ચથી સેમિફાઈનલ મેચો રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હોવા છતાં, તેઓ 2 માર્ચે દુબઈમાં પ્રથમ સ્થાન માટે ટકરાશે. ગ્રુપ Bમાં હજુ ઘણો ઉત્સાહ બાકી છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ પોતાની પહેલી મેચ જીતી લીધી છે. પરંતુ હજુ સુધી કોઈએ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું નથી.


