જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ શરૂ પણ થઈ ન હતી, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. આખરે, ટીમ ઈન્ડિયા માટે એક હાઈબ્રિડ મોડેલ અપનાવવામાં આવ્યું, જેના કારણે તેની મેચો દુબઈમાં યોજાઈ.
શેડ્યૂલ મુજબ, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલ લાહોરમાં રમવાની હતી, પરંતુ ભારત ફાઈનલમાં પહોંચ્યું હોવાથી, ફાઈનલનું સ્થળ લાહોરથી બદલીને દુબઈ કરવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.
ફાઈનલમાં ભારત, પાકિસ્તાનને કરોડોનું નુકસાન
મીડિયા રિપોર્ટ મુજબ આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ માટે કુલ 586 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી હતી. ટુર્નામેન્ટમાં કુલ 15 મેચ રમવાની હતી અને દરેક મેચ માટે લગભગ 39 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ભારતની સેમીફાઈનલ સહિત 4 મેચ દુબઈમાં રમાઈ ચૂકી છે, જ્યારે મૂળ સમયપત્રક મુજબ, આ ચાર મેચ પાકિસ્તાનમાં રમવાની હતી. ભારતીય ટીમની ચાર મેચોને કારણે, PCB ને અત્યાર સુધીમાં 156 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારત ફાઈનલમાં પહોંચી ગયું હોવાથી, તે દુબઈમાં જ રમાશે. આના કારણે પાકિસ્તાનનું કુલ નુકસાન 195 કરોડ રૂપિયા સુધી પહોંચવાનું છે.
પાકિસ્તાનને કરવો પડ્યો નિરાશાનો સામનો
અગાઉ પાકિસ્તાનમાં મેદાનનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ પહેલા રાવલપિંડી, કરાચી અને લાહોરના મેદાનોના રિનોવેશન માટે 500 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવવામાં આવી હતી. PCB ને આશા હતી કે બાંધકામ પૂર્ણ થયા પછી મેદાન દર્શકોથી ભરાઈ જશે, પરંતુ અપેક્ષા કરતાં ઓછા લોકો મેચ જોવા આવ્યા. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન બહાર થઈ ગયું અને વરસાદને કારણે બે મેચ ધોવાઈ ગઈ, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. રાવલપિંડી મેદાનમાં ટોસ વિના રદ્દ થયેલી મેચોની ટિકિટના પૈસા પણ PCBએ પરત કરવા પડ્યા.


