સોમવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું. 64 રનની વિસ્ફોટક ઈનિંગ રમનાર કેપ્ટન રજત પાટીદારને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.
તેની સાથે વિરાટ કોહલીએ પણ 67 રનની શાનદાર ઈનિંગ રમી. આ મહાન જીત પછી પણ કેપ્ટન પાટીદારને મોટી ખોટ પડી છે. બીસીસીઆઈએ તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન આરસીબીના કેપ્ટન રજત પાટીદારને તેમની ટીમ દ્વારા સ્લો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચારસંહિતાના કલમ 2.2 હેઠળ, જે સ્લો ઓવર-રેટ ગુનાઓ સાથે સંબંધિત છે, તે સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હતો, પાટીદારને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.
રજત પાટીદારે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી
ફિલ સોલ્ટના રૂપમાં પહેલી વિકેટ પડ્યા બાદ, વિરાટ કોહલીએ દેવદત્ત પડિકલ સાથે 91 રનની પાર્ટનરશિપ કરી, ત્યારબાદ રજત પાટીદાર સાથે 48 રન ઉમેર્યા. કોહલી 42 બોલમાં 67 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન પાટીદારે વિસ્ફોટક બેટિંગ કરી.
રજત પાટીદારે 32 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. આ ઈનિંગ માટે તેને મેચનોપ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 222 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
કૃણાલ પંડ્યાની જોરદાર બોલિંગ
લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી નહોતી રહી, પરંતુ તિલક વર્મા અને હાર્દિક પંડ્યાની તોફાની ઈનિંગ્સે ટીમને વિજયની ખૂબ નજીક પહોંચાડી દીધી. મુંબઈને જીતવા માટે 12 બોલમાં 28 રનની જરૂર હતી, જોશ હેઝલવુડે 19મી ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યાની વિકેટ લઈને પોતાની ટીમ માટે મેચ મજબૂત બનાવી. ત્યારબાદ, છેલ્લી ઓવરમાં, કૃણાલ પંડ્યાએ 19 રનનો બચાવ કર્યો અને 3 વિકેટ લીધી.


