લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 2 રને હરાવ્યું. આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરીને 180 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 178 રન જ બનાવી શક્યું હતું અને 2 રનના નજીકના માર્જિનથી મેચ હારી ગયું હતું. લખનૌ ટીમની જીતનો હીરો આવેશ ખાન હતો, જેને ડેથ ઓવરોમાં યશસ્વી જયસ્વાલ સહિત 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
રાજસ્થાનને 181 રનનો મળ્યો ટાર્ગેટ
રાજસ્થાન રોયલ્સને 181 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં તેને ખૂબ જ સારી શરૂઆત કરી હતી. પોતાના IPL ડેબ્યૂ મેચમાં, વૈભવ સૂર્યવંશીએ 20 બોલમાં વિસ્ફોટક શોટ ફટકારીને 34 રનની ઈનિંગ રમી. વૈભવે જયસ્વાલ સાથે મળીને 85 રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરી. ફોર્મમાં ચાલી રહેલો બેટ્સમેન નીતિશ રાણા આ વખતે નિષ્ફળ ગયો અને માત્ર 8 રન બનાવીને આઉટ થયો.
યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગે બાજી સંભાળી અને 62 રનની પાર્ટનરશિપ કરીને રાજસ્થાનની જીતની આશાઓને પાંખો આપી. દરમિયાન, 5 મેચના સમયગાળામાં 2 વિકેટ પડતાં મેચનું પરિણામ બદલાઈ ગયું હોય તેવું લાગતું હતું. જયસ્વાલ 74 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે રિયાન પરાગ 39 રન બનાવીને આઉટ થયો હતો. જયસ્વાલ અને પરાગે માત્ર 5 રનના અંતરે પોતાની વિકેટ ગુમાવી દીધી.
14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ મજબૂત ડેબ્યૂ
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આ મેચમાં, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ IPLમાં ડેબ્યૂ કર્યું. તે આઈપીએલના ઈતિહાસમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે. પોતાના ડેબ્યૂમાં તેને 20 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
આવેશ ખાનના 3 બોલે મેચનું પાસું ફેરવી દીધું
લખનૌ સુપર જાયન્ટ્સની જીતનો ખરો હીરો આવેશ ખાન હતો, જેને ડેથ ઓવરોમાં 3 વિકેટ લીધી હતી. રાજસ્થાનની ઈનિંગની 18મી ઓવરમાં અવેશએ 2 વિકેટ લીધી ત્યારે મેચનો માહોલ બદલાઈ ગયો. તેને ઓવરના પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલને 74 રને આઉટ કર્યો અને તે જ ઓવરના છેલ્લા બોલ પર રિયાન પરાગ 39 રને આઉટ થયો. આવેશ ખાને ઈનિંગની 20મી ઓવર પણ ફેંકી. શિમરોન હેટમાયર હજુ પણ રાજસ્થાનની આશા હતા, પરંતુ આવેશ ખાને તેને 12 રનના સ્કોર પર આઉટ કર્યો.


