IPL 2025માં દિવસની પહેલી મેચ 20 એપ્રિલના રોજ મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, RCB એ 7 વિકેટથી શાનદાર જીત મેળવી.
બેંગલુરુની જીતમાં વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ મેચમાં બંનેએ અડધી સદી ફટકારી, જેના કારણે RCBએ 158 રનનો ટાર્ગેટ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી લીધો.
પંજાબ કિંગ્સ સામે જીત નોંધાવ્યા બાદ, RCBના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ખૂબ જ આક્રમક રીતે સેલિબ્રેશન કરતો જોવા મળ્યો. મેચ જીત્યા પછી તેને જે રીતે સેલિબ્રેશન કર્યું તે જોઈને એવું લાગતું હતું કે તે પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરને તેના સેલિબ્રેશનથી ચીડવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
વિરાટ કોહલીએ આ રીતે કર્યું સેલિબ્રેશન
જીતેશ શર્માએ RCB ની ઈનિંગ્સની 19મી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. તે સિક્સર ફટકાર્યા પછી, વિરાટ કોહલીએ શ્રેયસ ઐયર તરફ જોયું અને ઉત્સાહથી સેલિબ્રેશન કર્યું. તેને લાંબા સમય સુધી સેલિબ્રેશન ચાલુ રાખ્યું.
પરંતુ શ્રેયસ ઐયરને કદાચ તેનું વલણ ગમ્યું નહીં અને તે કોહલીની એક્શનથી ગુસ્સે દેખાતો હતો. આ દરમિયાન, કોહલી તેની નજીક જતો અને હસતો જોવા મળ્યો અને મેચ પછી, બંનેએ થોડીવાર આ વિશે વાત કરી.
વિરાટ કોહલીએ રમી મેચ વિનિંગ ઈનિંગ્સ
158 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે આરસીબીની શરૂઆત સારી રહી ન હતી. બેંગલુરુને પહેલી જ ઓવરમાં શરૂઆતમાં ઝટકો પડ્યો જ્યારે ફિલ સોલ્ટ (1) ને અર્શદીપ સિંહે આઉટ કર્યો. અહીંથી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે ઈનિંગ્સની કમાન સંભાળી. બીજી વિકેટ માટે બંને વચ્ચે 103 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ, જેનાથી RCBનો વિજય સુનિશ્ચિત થયો. દેવદત્તે 35 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રનની ઈનિંગ રમી. જ્યારે વિરાટ કોહલીએ 54 બોલમાં 73 રનની અણનમ ઈનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, વિરાટની આઈપીએલ કારકિર્દીમાં આ 59મી અડધી સદી હતી.


