દુનિયામાં ફરી એક વખત કોવિડ-19ના કહેર જોવા મળી રહ્યો છે. એશિયામાં અત્યારે હોંગકોંગ અને સિંગાપોર કોવિડ-19ના ભરડામાં છે.છેલ્લા કેટલાક સમયમાં હોંગકોંગ અને સિંગાપોરમાં અચાનક કોવિડના કેસમાં વધારો થતા વિશ્વભરમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. વધતા કોવિડ કેસને લઈન અધિકારીઓએ ચેતવણી આપતા કહ્યું કે કોવિડ કેસમાં અચાનક વધારો વધુ એક કોવિડ-19 લહેરનો સંકેત આપે છે. તાજેતરના સમયમાં કોવિડ વાયરસને લઈને હોંગકોંગમાં દર્દીઓની સંખ્યા અચાનક વધતા હોસ્પિટલમાં ફરી ઓક્સિજન સિલિન્ડર અને દવાઓને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. સિંગાપોરમાં પણ તાજેતરના અઠવાડિયામાં કેસ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા હવે WHO દ્વારા પણ આ બાબતની નોંધ લેવામાં આવી છે. હોંગકોંગ અને સિંગાપોરમા આ સ્થિતિ ઉદભવવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
હોંગકોંગ અને સિંગાપોરમાં કેવી પરિસ્થિતિ
હોંગકોંગના આરોગ્ય અધિકારીએ મીડિયાને માહિતી જણાવ્યું હતું કે શહેરમાં COVID-19 કેસના આંકડા વધ્યા છે. એક વર્ષમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની ટકાવારીનું અત્યારે સૌથી વધુ પ્રમાણ જોવા મળ્યું છે. કેન્દ્રના ડેટા અનુસાર 3 મે સુધીમાં 31 જેટલા કોવિડના ગંભીર કેસ નોંધાયા હતા જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે. જોકે આ વધારો છેલ્લા બે વર્ષના સૌથી મોટા પ્રકોપ જેટલો મોટો નથી. જો કે કોવિડ-સંબંધિત તબીબી સલાહ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો દર્શાવે છે કે શહેરના 7 મિલિયનથી વધુ રહેવાસીઓમાં વાયરસ સક્રિય રીતે ફેલાઈ રહ્યો છે.
સિંગાપોરમાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, 3 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કોવિડ કેસમાં 28% નો વધારો થયો છે. સિંગાપોરમાં હાલમાં ફેલાતા મુખ્ય કોવિડ પ્રકારો LF.7 અને NB.1.8 છે, જે બંને JN.1 સ્ટ્રેનના પેટા પ્રકારો છે. આ વધારો સંભવતઃ વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે હોઈ શકે છે અને વધુ ચેપી અથવા ગંભીર વાયરસ પ્રકારોને કારણે નહીં.
એશિયામાં થઈ રહ્યો છે કોવિડ કેસમાં વધારો
હોંગકોંગ અને સિંગાપોર ઉપરાંત, ચીન અને થાઇલેન્ડમાં પણ કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોવિડની નવી લહેર ગયા ઉનાળા જેટલી જ મજબૂત બની રહી છે. દરમિયાન, એપ્રિલમાં સોંગક્રાન તહેવાર બાદ થાઇલેન્ડમાં ચેપમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સમગ્ર એશિયામાં નવા કોવિડ કેસ વધી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે અન્ય શ્વસન વાયરસથી વિપરીત, કોવિડ-19 નું આ પુનરુત્થાન ઉનાળાની ઋતુમાં પણ મોટા પાયે રોગ ફેલાવવાની તેની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
વાયરસ વધુ ગંભીર નથી
આરોગ્ય અધિકારીઓએ ખાતરી આપી છે કે હાલમાં ફરતા વેરિઅન્ટ વધુ ચેપી કે ગંભીર નથી. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે “હાલમાં એવા કોઈ સંકેત નથી કે ફરતા વેરિઅન્ટ્સ રોગચાળા દરમિયાન કરતા વધુ ચેપી અથવા ગંભીર છે.” તેમ છતાં, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે કેસ વધી રહ્યા છે, જેના માટે આરોગ્ય અધિકારીઓએ લોકોને તેમની રસીકરણની સ્થિતિ અપડેટ રાખવા વિનંતી કરી છે. મહત્વનું છે કે હોંગકોંગના લોકપ્રિય પોપ સ્ટાર ઇસન ચાનનો કોવિડ-19નો શિકાર થતા તાઇવાનમાં તેમના કોન્સર્ટ મુલતવી રાખવા પડ્યા હતા. આ ઘટના એ વાતનો સંકેત છે કે હોંગકોંગ સહિત સિંગાપોર અને એશિયામાં વાયરસ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કોવિડ ગાઈડલાઈન લાગુ
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, અને નિષ્ણાતો માને છે કે વ્યાપક રસીકરણ અને યોગ્ય સાવચેતી સાથે, આ કોવિડ લહેરને નિયંત્રિત કરી શકાય છે. હોંગકોંગ અને સિંગાપોરમાં, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જેવા પગલાંને ફરીથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.


