ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. 5 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા, ભારતના સ્ટાર ખેલાડી પ્રિયાંક પંચાલે ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવનાર પ્રિયાંક હવે ગુજરાત માટે રમી શકશે નહીં.
પ્રિયાંક પંચાલને ઘણી વખત ભારતીય ટેસ્ટ ટીમમાં જોડાવાની તક મળી. પરંતુ તેને ક્યારેય ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાયો નહીં. પરંતુ હવે તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
પ્રિયાંકને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી મળ્યા અભિનંદન
પ્રિયાંક પંચાલની નિવૃત્તિ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને પણ તેને અભિનંદન પાઠવ્યા છે. જમણા હાથના આ બેટ્સમેને તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 29 સદી અને 34 અડધી સદી ફટકારી છે. તેમને 2016-17માં ગુજરાતને તેનો પહેલો રણજી ટ્રોફી ખિતાબ અપાવ્યો, વિજય હજારે ટ્રોફી (2015-16) અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (2012-13 અને 2013-14) પણ જીતી. ગુજરાત ક્રિકેટ એસોસિએશને તેમને વધુ સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.
આવું રહ્યું છે સ્ટાર ખેલાડીનું ફર્સ્ટ ક્લાસ કરિયર
પ્રિયાંકે 2008 માં પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી શરૂ કરી હતી. લગભગ 17 વર્ષ સુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યા પછી, પ્રિયાંક પંચાલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તે ગુજરાતના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક હતો. તેમના આંકડા ઉત્તમ રહ્યા છે. પોતાની 17 વર્ષની લાંબી કારકિર્દીમાં, તેને 127 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 8856 રન બનાવ્યા છે, જેમાં 29 સદી અને 34 અડધી સદીનો સમાવેશ થાય છે.
તેની લિસ્ટ A કારકિર્દી વિશે વાત કરીએ તો, તેને 40.80 ની એવરેજથી 3672 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, 8 સદી ઉપરાંત, 21 અડધી સદી તેના બેટમાંથી આવી છે. 59 T20 મેચોમાં આ ખેલાડીએ 28.71ની એવરેજથી 1522 રન બનાવ્યા છે. હવે 35 વર્ષની ઉંમરે, તેમણે નિવૃત્તિની જાહેરાત કરી છે.


