ભારતના અત્યાર સુધીના ઇતિહાસમાં અનેક દાનવીરો થઈ ગયા, પરંતુ તેમાં સર્વોપરી નામ પોતાના પ્રાણનું બલિદાન અને અસ્થિઓનું દાન કરનાર મહર્ષિ દધીચિનું છે. તેમણે પોતાનાં અસ્થિઓનું દાન કરીને દેવતાઓ અને સંસારની રક્ષા કરી હતી. દર વર્ષે ભાદરવા સુદ આઠમના દિવસે તેમની જન્મજયંતી ધૂમધામથી ઊજવાય છે.
વૃત્રાસુરનો આતંક
એક વાર વૃત્રાસુર નામના અસુરના ભયથી ઇન્દ્ર પોતાનું સિંહાસન છોડીને દેવતાઓની સાથે આમતેમ ભટકવા લાગ્યા. છેવટે બ્રહ્માજીએ દેવતાઓને એક ઉપાય જણાવ્યો કે પૃથ્વીલોકમાં એક મહાન મહર્ષિ દધીચિ રહે છે. જો તેઓ પોતાનાં અસ્થિઓનું દાન કરે અને તે અસ્થિઓમાંથી શસ્ત્ર બનાવવામાં આવે તો તેનાથી વૃત્રાસુરને મારી શકાય, કારણ કે વૃત્રાસુરને કોઈ પણ અસ્ર-શસ્ત્રથી મારી શકાય તેમ નથી. મહર્ષિ દધીચિનાં અસ્થિઓમાં જ તે બ્રહ્મતેજ છે જેનાથી વૃત્રાસુર રાક્ષસને મારી શકાય એમ છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. મહર્ષિ દધીચિ પાસે આટલું મોટું દાન માગવા જવા માટે દેવરાજ ઈન્દ્રના પગ નહોતા ઊપડતા, કારણ કે ઇન્દ્રએ એક વાર તેમનું બહુ ઘોર અપમાન કર્યું હતું, તેથી તેઓ તેમની પાસે મદદ માગવા જતા સંકોચ અનુભવી રહ્યા હતા. એવું કહેવાય છે કે બ્રહ્મવિદ્યાનું જ્ઞાન સમગ્ર વિશ્વમાં માત્ર દધીચિ પાસે જ હતું. તેઓ કોઈ સુપાત્રને તેનું જ્ઞાન આપવા માગતા હતા. ઈન્દ્ર બ્રહ્મવિદ્યાનું જ્ઞાન મેળવવા માગતા હતા, પરંતુ દધીચિની દૃષ્ટિમાં ઇન્દ્ર આ વિદ્યાને પાત્ર નહોતા, તેથી તેમણે જ્ઞાન આપવાની ના પાડી. ઇન્દ્રએ તેમને કોઈ અન્યને આ વિદ્યા ન આપવા કહ્યું અને જો આમ કર્યું તો તમારું માથું ધડથી અલગ કરી દઈશ તેમ જણાવ્યું.
ત્યારે સહેજ પણ ડર્યા વગર દધીચિએ કહ્યું કે, `જો કોઈ સુપાત્ર મળશે તો તેને હું આ જ્ઞાન જરૂર આપીશ.’ થોડા સમય પછી ઇન્દ્રલોકથી જ અશ્વિની કુમારો મહર્ષિ દધીચિ પાસે આ વિદ્યા લેવા માટે પહોંચ્યા. તેઓ વિદ્યાને પાત્ર લાગતાં તેમણે ઈન્દ્રએ કહેલી વાતથી તેમને અવગત કર્યા, તેથી અશ્વિની કુમારોએ મહર્ષિ દધીચિના શીશ પર અશ્વનું શીશ લગાવીને વિદ્યા પ્રાપ્ત કરી લીધી. ત્યારથી મહર્ષિ દધીચિ અશ્વશિરા નામે ઓળખાવા લાગ્યા. ઇન્દ્રને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે પૃથ્વી પર આવ્યા અને પોતાની ચેતવણી પ્રમાણે દધીચિનું માથું ધડથી અલગ કરી દીધું. પછી અશ્વિની કુમારોએ મહર્ષિનું અસલી શીશ તેમના ધડ પર લગાવી દીધું, તેથી ઇન્દ્રએ અશ્વિની કુમારોને ઇન્દ્રલોકમાંથી કાઢી મૂક્યા. આ જ કારણ હતું કે હવે તેઓ કયા મોંએ દધીચિ પાસે અસ્થિઓનું દાન માગવા જાય.
દધીચિનું દાન
સ્વર્ગલોક અને દેવતાઓની રક્ષા માટે ઈન્દ્રએ મહર્ષિ દધીચિના શરણમાં જવું જ પડ્યું. તેમણે ઈન્દ્રને માન-સન્માન આપ્યું તથા આશ્રમમાં આવવાનું કારણ પૂછ્યું. ઈન્દ્રએ મહર્ષિને પોતાની વ્યથા સંભળાવી. ત્યારે તેમણે કહ્યું, `હું આમાં તમારી શું મદદ કરી શકું?’
દેવતાઓએ બ્રહ્માજીની વાત વિગતે કહી સંભળાવી તથા તેમનાં અસ્થિઓનું દાન માગ્યું. ત્યારે દધીચિએ કહ્યું, `દેવરાજ! દરેક જીવધારી માટે સ્વયંના પ્રાણ ત્યાગવા એ એક મુશ્કેલ કાર્ય છે, પરંતુ તમારી વાત સાંભળીને આવું કરવું જરૂરી બન્યું છે. ત્રિલોકની રક્ષા માટે હું તમને મારાં અસ્થિઓ જરૂર આપીશ, પરંતુ તેના પહેલાં હું તીર્થદર્શન કરવા ઈચ્છું છું.’
ઈન્દ્રએ મહર્ષિની ઈચ્છા પૂરી કરવા નૈમિષારણ્યમાં બધાં જ તીર્થોને બોલાવી લીધા. દધીચિ તીર્થદર્શન કરીને સમાધિમાં લીન થઈ ગયા અને પ્રાણ ત્યાગ્યા. અસ્થિઓ લઈને ઈન્દ્ર વિશ્વકર્મા પાસે ગયા. જેમાંથી તેમણે વજ્ર બનાવીને ઈન્દ્રને આપ્યું, જેનાથી ઈન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો અને સ્વર્ગ પર પોતાનું રાજ્ય સ્થાપ્યું.


