રાજયના ૭૨ સનધિ અધિકારીઓની બદલી
રાજકોટના મહેશ જાનીની સ્ટેટ સોશ્યલ વેલફેરના ચેરમેન અને આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈનની અરવલ્લીના DDO તરીકે નિમણુંક
વિવિધ જિલ્લાના કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, નિગમના ઉચ્ચ અધિકારીઓના ઓર્ડર નિકળ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્ય સરકારે એકસાથે મોટા પાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારે રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતાં મોડી રાત્રે 72 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે. આ ફેરફારોમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમા નવા હોદ્દેદારો અને અધિકારીઓને વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણય પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવાનો છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર વિશેષ ધ્યાન
સરકારે આ બદલીઓમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નવી રચાયેલી મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની સાથે હવે નવા સક્ષમ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો ઝડપથી પહોંચે તેવા માટે આ વ્યૂહાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે.
નવી બનેલી પાલિકાઓમાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરી વિકાસને વેગ અપાશે. નવા અધિકારીઓને સોંપાયેલી જવાબદારીથી વહીવટી પારદર્શિતા વધવાની અપેક્ષા છે. આગામી દિવસોમાં વહીવટી તંત્રમાં હજુ પણ મોટા પાયે ફેરફાર થઈ શકે છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા ઓર્ડરમાં રાજકોટના અધિકારીઓનો પણ સમાવેશ થયો છે. રાજકોટમાં રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીના અધિકારી મહેશ જાનીની સ્ટેટ સોશ્યલ વેલફેરના ચેરમેન તરીકે અને આસિસ્ટન્ટ કલેકટર મહેશ જૈનની અરવલ્લીના ડીડીઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
જાહેર થયેલા આદેશ મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરુચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.
આ ઉપરાંત નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીની ટ્રાન્સફર કરી તેમને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
રાજ્ય સરકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ અને વિકાસ સંબંધિત પ્રોજેક્ટોને વધુ ગતિ આપવા માટે વહીવટી માળખામાં આ વ્યાપક ફેરફારો કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અનેક અધિકારીઓને વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે, જેથી વિવિધ વિભાગોની કામગીરીમાં સતતતા જળવાઈ રહે.
IAS અધિકારીઓની ટ્રાન્સફર માત્ર રૂટિન વહીવટી ફેરફાર નથી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સરકારની નવી વહીવટી ગોઠવણ તરીકે જોવાઈ રહી છે. થોડા દિવસો પહેલા ઘણા કલેક્ટરોને પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેમની બદલી અટકાવવામાં આવી હતી. હવે ચૂંટણી પૂર્ણ થતાં જ પ્રમોશન પામેલા અધિકારીઓને સચિવાલય તેમજ મહત્વપૂર્ણ વિભાગોમાં જવાબદારી સોંપવામાં આવી છે. સરકાર હવે જિલ્લા વહીવટ કરતાં નીતિગત અને અમલીકરણ સ્તરે અનુભવી અધિકારીઓનો વધુ ઉપયોગ કરવા માગે છે તેવો સંકેત આ બદલીઓમાંથી મળી રહ્યો છે.


