રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી ભાડા વધારાને ગ્રીન સિગ્નલ
રિક્ષાના ભાડામાં વધારો, ચાલકોને દિવાળી: ગ્રાહકોને હોળી
શહેરી વિસ્તારમાં ૧.૨ કિલોમીટરનું ન્યુનતમ ભાડુ રૂ.૨૫ નક્કી કરાયું: રાતના ૧૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા વચ્ચે ૫૦ ટકા વધારાનો નાઈટ ચાર્જની જોગવાઈ: મોંઘવારીમાં પિસાતી પ્રજાને વધુ એક આર્થિક બોઝ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત રાજ્ય અને દેશભરમાં CNGના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવ્યો છે ગુજરાતમાં તાજેતરમાં જ અદાણી CNG દ્વારા ધીમી ગતીએ સાત રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય પ્રજાને આર્થિક બોઝ સહન કરવો પડશે. રાજ્ય સરકાર દ્વારા ઓટો રિક્ષાના ભાડામાં વધારાને મંજૂરી આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા રાજ્યભરમાં ઓટોરિક્ષાના ભાડામાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. તા. 7 ઓગસ્ટ, 2029થી અમલમાં આવેલા નવા જાહેરનામા મુજબ, મુસાફરોએ હવે રિક્ષા મુસાફરી માટે સુધારેલા દર મુજબ ભાડું ચૂકવવું પડશે.
નવા જાહેર થયેલા દર મુજબ, શહેરી વિસ્તારોમાં ઓટોરિક્ષામાં મુસાફરીનું ન્યૂનતમ ભાડું રૂ. 25 નક્કી કરવામાં આવ્યું છે, જે પ્રથમ 1.2 કિલોમીટરના અંતર માટે માન્ય રહેશે. આ 1.2 કિલોમીટરની મર્યાદા પાર કર્યા બાદ પ્રત્યેક 200 મીટરના અંતર માટે મુસાફરોએ રૂ. 4 લેખે ભાડું ચૂકવવાનું રહેશે.
રાત્રિના સમયે મુસાફરી કરતા લોકો માટે ખાસ નાઈટ ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. જો કોઈ મુસાફર રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા વચ્ચે ઓટોરિક્ષામાં મુસાફરી કરે છે, તો તેને નિયત ભાડા પર 50% વધારાનો નાઈટ ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત, આ નવા જાહેરનામામાં મુસાફર દ્વારા રિક્ષાને ઉભી રખાવવા પર લાગતા વેઇટિંગ ચાર્જ અંગેની જોગવાઈનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સરકારના આ ભાડાવધારાના નિર્ણયને રાજ્યના વિવિધ રિક્ષા ચાલક યુનિયનોએ હકારાત્મક રીતે આવકાર્યો છે. ગુજરાત સારથિ સંઘ, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, નવયુગ ઓટો ડ્રાઈવર વેલ્ફેર એસોસિએશન અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન સહિતના અગ્રણી સંગઠનોએ આ સુધારાને સમર્થન આપ્યું છે. નવયુગ ઓટો ડ્રાઈવર વેલ્ફેર એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઈંધણના સતત વધતા ભાવો અને જીવનનિર્વાહના ખર્ચને જોતા આ નિર્ણય અત્યંત જરૂરી અને આવકારદાયક છે.
ચાલકોને શિસ્તબદ્ધ રહેવા અપીલ અને અન્ય માંગણીઓ
સંગઠનોએ માત્ર નિર્ણયનું સ્વાગત જ નથી કર્યું, પરંતુ તમામ ઓટો ચાલકોને કડક અપીલ પણ કરી છે કે તેઓ નવા ભાડા દરનો પ્રમાણિકતાથી અમલ કરે. ચાલકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ વાહનમાં નવું ભાડાપત્રક ફરજિયાતપણે પ્રદર્શિત કરે અને મુસાફરો સાથે નમ્ર અને શિષ્ટ વ્યવહાર રાખે. આ સાથે જ, યુનિયનોએ સરકાર સમક્ષ માંગ દોહરાવી છે કે ભવિષ્યમાં પણ સમયાંતરે ભાડામાં વાજબી સુધારા કરવામાં આવે અને ચાલકોની સુરક્ષા તથા તેમના કલ્યાણના પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.


