ભગવાન મહાવીરના પાંચમા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજી મહારાજા એકવાર રાજગૃહી નગરીમાં પધારેલા. રાજગૃહીના નગરજનો અત્યંત આનંદ ઉલ્લાસપૂર્વક ગુરુજીને વંદન કરવા માટે ગયા. એમાં એક સોળ વર્ષનો જંબુ નામનો છોકરો પણ ગયેલો.
સુધર્માસ્વામીજીની વાણીમાં પણ એટલી જ મીઠાશ હતી, જેટલી ભગવાન મહાવીર પ્રભુની વાણીમાં હતી. સંસારની કડવાશનું વર્ણન મીઠી વાણીએ એવું કર્યું કે પેલા જંબુના દિલમાં સોંસરવું ઊતરી ગયેલું. એટલે તો એણે સુધર્માસ્વામીજીને કહેલું ભગવાન હું પાછો આવું છું, પણ આપ મહેરબાની કરીને અહીં જ રોકાશો. સુધર્માસ્વામીજીએ પણ સામે કહેલું, ભલે પણ મોડું ન કરશો. ક્યાંક એવું ન થાય કે પાછા ફરવાનો સમય જ ન મળે.
એ તો ત્યાંથી રવાના થયો. પગે ચાલીને જવાનું હોય એટલે સમય તો થાય જ ને. રાજગૃહી નગરીનો એક સરસ મજાનો દરવાજો માર્ગમાં વચ્ચે જ આવતો હતો. ખબર નહીં આ દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું હશે. શ્રોણિક રાજાએ કરાવેલું કે એમના પિતાજીએ કે એમના દાદાએ કરાવ્યું હશે, પણ શિલ્પ અદ્ભુત હતું. એની કલાકારીગરી દર્શનીય હતી. આવા વિચારો કરતો કરતો એ આગળ વધી રહ્યો હતો અને જેવો એ દરવાજાની પાસે આવ્યો એ જ સમયે ગેટનો એક ભાગ પડી ગયો. જંબુ તો ચાલતાં ચાલતાં ત્યાં જ અટકી ગયો. એને વિચાર આવ્યો માત્ર બે-ચાર ક્ષણોનો જ ફરક પડી ગયો હોત તો. પથ્થર મારા માથા ઉપર પડ્યો હોત તો તો આટલો વિચાર કરવા પણ હું રહી શક્યો ન હોત. મારા અંતરની વાત અંતરમાં જ રહી જાત. હવે પાછો જાઉં અને નિયમ લઈને પાછો આવું. કદાચ મરણ થાય તો પણ નિયમમાં થશે ને.
ફરીને પાછો આવ્યો અને ગુરુજીને વિનંતી કરી, ભગવન અબ્રહ્મ સેવન નહીં કરવાનો મને નિયમ આપો. હું લગ્નજીવનનો સ્વીકાર કરીશ નહીં.
ગુરુજીએ પ્રેમથી નિયમ આપ્યો અને આશિષ આપ્યા, તારા નિયમ પાલનમાં અડગ રહેજે.
સોળ વર્ષની ઉંમરનો એ જંબુ નામનો કિશોર પોતાના ઘરે પહોંચ્યો ત્યારે એની માતા પ્રતીક્ષા કરી રહી હતી. આવ દીકરા, આજે ઘણું મોડું થઈ ગયું છે. તને ભૂખ નથી લાગી? જમી લે. તારા માટે તને ભાવતા ભોજનિયાં તૈયાર છે.
જંબુ કહે છે મા, તારી વાત સાચી છે, મોડું થઈ ગયું છે, એટલે જ હવે ઉતાવળ કરવાની છે.
મા હવે વધારે મોડું કરવાની મારી પણ ઈચ્છા નથી, હવે મને રજા આપી દે. બિચારી મા-ધારિણી દેવી. એ ભોજનની વાત કરે છે જ્યારે આ જંબુ પોતાના મહાભિનિક્રમણની વાત કરે છે.
જંબુએ માને કહ્યું, મા મને હવે આ સંસારમાં રહેવાનું ગમતું નથી. હવે મારા પોતાના આત્મકલ્યાણના માર્ગે આગળ જવા દે. મારા ગુરુજી મારી રાહ જોઈ રહ્યા છે. હવે કેટલું મોડું કરાવીશ?
શું કહી રહ્યો છે? તું મારો એકનો એક દીકરો છે, તારા માટે તો મેં કેવાં કેવાં અને કેટલાં બધાં અરમાનો સેવેલાં છે. હવે આમ અચાનક તું તારાં માતા-પિતાને છોડીને ચાલ્યો જાય એ કેટલું સારું લાગે છે! તારાં માતા-પિતા પ્રત્યેની પણ કોઈ ફરજ ખરી કે નહીં?
જંબુ કહે છે મારે મારાં માતા-પિતાને રાગના સંબંધમાં નથી જોડવાં, પણ વૈરાગ્યના રંગમાં રંગવાં છે. રાગનો રંગ થોડા જ સમયમાં ઊતરી જતો હોય છે. એવા ઊતરી જવાવાળા રંગનો મોહ શા માટે કરવાનો? એટલામાં એના પિતા ઋષભદત્ત આવે છે. મા-દીકરાની ચર્ચામાં એ પણ સામેલ થઈ જાય છે. એ કહે છે દીકરા, જેમ માતા-પિતાની પોતાના સંતાન પ્રત્યેની ફરજ હોય છે એમ સંતાનની પણ એનાં માતા-પિતા પ્રત્યેની ફરજ રહેતી હોય છે. તું આ રીતે અમને એકલાં મૂકીને સંયમ પથ પર પ્રયાણ કરવાની ભાવના કરે એ બિલકુલ બરાબર ન ગણાય.
જંબુ કહે છે, મારા માટે સંયમ જીવન સિવાય બીજી કોઈ તરફ ગતિ કરવાનો મારો ભાવ નથી અને તમારા માટે પણ આ જ સાચો માર્ગ છે.
ચર્ચા લાંબી ચાલે છે, પણ એ બધી ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. ચર્ચાનો અંત એમ આવે છે ભલે તારે દીક્ષા જ લેવી હોય તો લેજે, પણ તારી સગાઈ આઠ ષોડશી કન્યાઓ સાથે કરેલી છે એમની સાથે લગ્ન કર અને પછી તું દીક્ષા લેજે એમાં અમને કોઈ તકલીફ નથી, પણ પહેલાં તારે લગ્ન તો કરવાનાં જ.
જંબુ કહે છે કંઈ વાંધો નહીં. તમારે લગ્ન જ કરાવવાં છે તો કરીશ, પણ આજે લગ્ન કરીશ અને બીજા દિવસે દીક્ષા લઈશ, પછી તમારે મને રજા આપવી પડશે.
ઋષભદત્ત એમ સમજતો હતો કે ઊભરો આવેલો છે, એટલે આ રીતની વાત કરે છે, પણ ઊભરો શાંત થઈ જશે પછી બધું ભૂલી જશે. અત્યારે એકલો છે પછી આપણે કહેવાની કે સમજાવવાની કોઈ જરૂર જ પડવાની નથી. એની પત્નીઓ જ એને સમજાવશે.
માણસ હંમેશાં પોતાની કક્ષા પ્રમાણે જ વિચારતો હોય છે, પણ કેટલાક સામાન્યની કક્ષામાં આવતા નથી એમની વિચારધારા થોડી અલગ હોય છે.
જંબુની સગાઈ રાજગૃહીના વિશિષ્ટ ધનપતિઓની પુત્રીઓ સાથે કરવામાં આવેલી હતી. ઋષભદત્તે દરેક પિતાઓને સમાચાર આપ્યા. મારો દીકરો જંબુ દીક્ષા લેવાની ભાવના ધરાવે છે. આજે જ લગ્ન કરાવવાનાં છે અને આવતી કાલે સંયમ સ્વીકાર કરવાની એની આજે ભાવના છે. પછી તો કન્યાઓ પોતાની તકદીરનો ઉપયોગ કરી શકે છે.
કન્યાઓના કાને સમાચાર આવ્યા. આપણા પતિ દીક્ષા લેવાના ભાવવાળા છે. એમને સમજાવીશું આપણી વાત, સાંભળશે નહીં. આપણે એમની વાતો સાંભળવાની અને આપણી વાતો એમને સમજાવવાની. આપણી વાતો એ નહીં સમજે.
આઠેઆઠ કન્યાઓએ પોતાના પિતાને કહી દીધું છે હવે અમારા માટે અન્ય પતિની કલ્પના કરશો નહીં. એકવાર પતિની કલ્પના જે પુરુષ માટે કરી હોય એમાં હવે ફેરફારને અવકાશ નથી. પત્ની માટે પતિ એ જ પરમેશ્વર છે. પતિ જે કરશે એ જ અમારે પણ કરવાનું છે. અમે એમને સમજાવીશું, પણ કદાચ ન સમજે તો અમારે એમનો માર્ગ સ્વીકારવાનો, પણ અન્ય પતિ કરવાની વાત અમારાથી થઈ શકશે નહીં.
આઠે કન્યાઓનાં માતા-પિતાએ કન્યાઓનાં લગ્ન કરવાની અનુમતિ આપી છે, આપવી પડી છે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ ચાલે એવો નથી.
લગ્નનો મહોત્સવ ઊજવવામાં આવે છે. છે તો દિવસ એક જ પણ એક દિવસમાં ઋષભદત્ત અને ધારિણીએ પુત્રનાં લગ્નનો મહોત્સવ માણવાનો ચાલુ કરી દીધો છે. ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે. મોટો ભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે.
માતા ધારિણીને જોરદાર ઉત્સાહ છે. મારા એકના એક દીકરાનો લગ્નોત્સવ છે. એ તો સાવ ગાંડી અને ઘેલી બની છે. કારણ વગર હસી પડે તો ક્યારેક કારણ વગર વિચારે ચડી જાય અને કામ પણ કેટલાં બધાં છે. આખા દિવસનો જમણવાર-વરઘોડો વરઘોડામાં જાતજાતની શોભા કરવાની. બધાં કામો સરસ ચાલી રહ્યાં છે.
લગ્નની વિધિ પણ કરાવવામાં આવે છે. ગોરજી બેઠા છે. એક તરફ જંબુને બેસાડેલા છે. એને તો આ બધી વિધિઓમાં કોઈ રસ જ ન હતો. એને તો માત્ર પોતાનાં માતા-પિતાના આનંદ માટે જ આ ક્રિયા કરવાની છે. એનું લક્ષ્ય તો એક જ છે. આવતી કાલે મારે આ બધું છોડવાનું છે, તો આજે શા માટે આમાં મારે રસ રાખવાનો! આ બધા સંસારી ભાવો તો માત્ર આપણને કર્મબંધ કરાવે. આપણે તો કર્મથી મુક્ત બનવાનો પ્રયાસ કરવો છે. એની પાસે જ આઠ કન્યાઓનાં આસન રાખેલાં છે.ગોર મહારાજ બોલ્યા `વરકન્યા સાવધાન.’ વર કહે ભાઈ, `હું તો સાવધાન જ છું, તમે રજા આપો એટલી જ વાર છે.’
એણે ફેરા ફેરવી દીધા. ચાર મંગલ વરતાવી દીધા. માતા ધારિણી ખુશ, પણ પિતા ઋષભદત્ત ચિંતામાં છે. વેવાઈઓ વિચારમાં ખોવાઈ ગયેલા છે. હવે આવતી કાલ કેવી ઊગશે એની નવ વેવાઈઓને કોઈ કલ્પના નથી. આવતી કાલે શું ઘટના બનવાની છે?
રાતનો સમય થયો છે.
જંબુના શયનકક્ષમાં આઠે કન્યાઓ આવી ચૂકી છે. આઠે કન્યાઓ કરોડો સોનામહોરો દહેજમાં લઈને આવી છે. રૂપ અને ગુણોમાં એકએકથી ચઢિયાતી છે, પણ જંબુની નજર આઠમાંથી એકની પણ ઉપર પડતી નથી. એ વિચારે છે આવતી કાલે તો આ બધું છોડવાનું છે, તો આજે આના તરફ મારે નજર કરવાની પણ ક્યાં જરૂર છે. હજુ તો બધાએ ઢગલો કરેલો છે. વ્યવસ્થિત ગોઠવવાની કે ભંડારમાં રાખવાની કોઈને ફુરસદ પણ મળી નથી. આઠે કોડભરી કન્યાઓ જંબુની પત્ની બનીને આવી છે. સુહાગરાત મનાવવા એ બધીઓ કોડભરીને આવે છે.
આ બાજુ જંબુ પણ સ્વસ્થ બનીને બેઠો છે. એના અંતરમાં છલોછલ વૈરાગ્ય ભરીને બેઠેલો છે.
લગ્ન કરતાં પહેલાં જ એણે આઠે કન્યાઓને સમાચાર મોકલી દીધેલા હતા કે લગ્ન તો મારાં માતા-પિતાના સંતોષ માટે જ કરવાનાં છે. બાકી મારો સ્પષ્ટ નિશ્ચય છે કે સવારે મારે દીક્ષા જીવનનો સ્વીકાર કરવાનો છે.
તમારે શું કરવાનું એ તમારો વિષય છે. મારા તરફથી તમને કોઈ બંધન નથી કે નથી કોઈ આગ્રહ. તમારી ઈચ્છા થાય તો ઘર સાચવીને બેસી શકો છો. બધું ધન એમ જ પડેલું છે. તમે આખી જિંદગી વાપરશો તો પણ ઘટવાની ચિંતા કરવાની જરૂર નથી.
આઠે કન્યાઓએ ભેગાં મળીને વિચાર કરેલો કે આજે ભલે આ દીક્ષાની વાત કરતો હોય, પણ રાતે આપણે એમને મનાવી લઈશું. એ એક છે અને આપણે આઠ. એમને નહીં સંભાળી શકીએ? પણ એટલી વાત સાચી કે જે થશે એ નવેનું થશે એમાં કોઈ ફેરફાર કરવાની કે બીજો કોઈ વિચાર કરવો જરૂરી નથી.


