અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા
વંડા પોલીસ સ્ટેશનના બે કર્મચારી અને વચેટીયાની ધરપકડ : અન્ય એક વિરૂધ્ધ ફરિયાદ ACBની કાર્યવાહી
અગ્ર ગુજરાત, અમરેલી
ભાવનગર એસીબીએ અમરેલી જિલ્લાના વંડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ અને એક વચેટિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીના મિત્ર સામે નોંધાયેલા ગુનામાં મારપીટ ન કરવા અને મોબાઈલ-કાર જપ્ત ન કરવા બદલ રૂ. 51,000ની લાંચ સ્વીકારવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ફરિયાદીના મિત્ર વિરુદ્ધ વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં મોબાઈલ અને કાર જપ્ત ન કરવા તેમજ મારપીટ ન કરવા સહિતની બાબતો માટે રૂ. 1,25,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. રકઝક બાદ રૂ. 51,000માં સોદો નક્કી થયો હતો.
ભાવનગર એસીબીએ છટકું ગોઠવીને વચેટિયા મયુર બાબુભાઈ ખુમાણને રૂ. 51,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડ્યા હતા. ત્યારબાદ, પોલીસ કર્મચારી છગનભાઈ માવજીભાઈ ડાભીએ સ્થળ પરથી વચેટિયા પાસેથી આ નાણાં સ્વીકારતા એસીબીએ તેમની પણ ધરપકડ કરી હતી.
આ ઉપરાંત, એસીબીએ વંડા પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસ કર્મચારી વિજયભાઈ મનસુખભાઈ મેરની પણ ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય એક વચેટિયા અતુલભાઈ ચૌહાણ સહિત કુલ ચાર ઈસમો સામે એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઘટનાને પગલે અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. એસીબીએ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


