ભાદરવા સુદ છઠ્ઠના દિવસે શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામજીનો જન્મ થયો હતો. બલરામજીનું મુખ્ય શસ્ત્ર હળ હતું, તેથી તેમને હલધર પણ કહેવામાં આવે છે. તેઓ શેષનાગના અવતાર હતા. ક્યાંક ક્યાંક તેમને વિષ્ણુ ભગવાનના અવતારમાં પણ ગણવામાં આવે છે. કંસે દેવકી-વાસુદેવના છ પુત્રોને મારી નાખ્યા, પછી દેવકીના ગર્ભમાં ભગવાન બલરામ પધાર્યા. યોગમાયાએ તેમને આકર્ષિત કરીને નંદબાબાને ત્યાં નિવાસ કરી રહેલાં શ્રીરોહિણીજીના ગર્ભમાં પહોંચાડી દીધા, તેથી તેમનું એક નામ સંકર્ષણ પણ પડ્યું. બળવાનોમાં શ્રેષ્ઠ હોવાથી તેમને બલભદ્ર પણ કહેવામાં આવે છે. તેઓ ગદાયુદ્ધમાં પ્રવીણ હતા. તેઓ બાળપણથી ખૂબ જ ગંભીર અને શાંત હતા.
શ્રીકૃષ્ણ તેમને ખૂબ જ સન્માન આપતા હતા અને દાઉ કહીને બોલાવતા હતા. બલરામ પણ પોતાના નાના ભાઈ શ્રીકૃષ્ણનું હંમેશાં ધ્યાન રાખતા હતા. કંસની મલ્લાશાળામાં શ્રીકૃષ્ણનો સાથ તેમણે આપ્યો હતો. બલરામના વિવાહ રાજા રેવતની પુત્રી રેવતી સાથે થયા હતા. મહારાજ રેવત પોતાના સો ભાઈઓમાં સૌથી મોટા હતા. પોતાની પુત્રી રેવતીને લઈને તેઓ બ્રહ્માજી પાસે ગયા, કારણ કે તેઓ પોતાની પુત્રી માટે યોગ્ય વર શોધી રહ્યા હતા. તે સમયે હાહા અને હૂહૂ નામના બે ગંધર્વ બ્રહ્મલોકમાં ગીત ગાઈ રહ્યા હતા, તેથી તેમણે થોડો સમય રાહ જોવી પડી. ગાન સમાપ્ત થઈ ગયા પછી તેમણે બ્રહ્માજીને ઈચ્છિત સવાલો પૂછ્યા.
બ્રહ્માજીએ કહ્યું, `આ ગાન જે તમને અલ્પકાલીન લાગ્યું, તે ચતુર્યુગ સુધી ચાલ્યું છે. તમે જે વરોની ચર્ચા કરી રહ્યા છો, તેમના પુત્ર-પૌત્ર પણ અત્યારે જીવિત નથી. તમે ભગવાન વિષ્ણુ સાથે તમારી કન્યાનું પાણિગ્રહણ કરાવો. તેઓ અત્યારે બલરામ સ્વરૂપે પૃથ્વી પર છે.’
રાજા રેવત પોતાની પુત્રી રેવતીને લઈને પૃથ્વી પર આવ્યા. તેઓ તે સમયે જેવાં નગર મૂકીને ગયા હતા, તે હવે નહોતાં. મનુષ્યોની લંબાઈ પણ બહુ ઓછી થઈ ગઈ હતી. તેઓ બલરામજી પાસે દ્વારિકા પહોંચ્યા. ત્યારે બલરામજીએ રેવતીનું લાંબું કદ જોયું. તેમણે પોતાના હળ વડે દબાવીને તેમની લંબાઈ ઓછી કરી દીધી. આ ચમત્કારથી રેવતી સામાન્ય સ્ત્રીઓ જેવી બની ગઈ.
બલરામજીને કૃષિદેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ખેડૂતોના આરાધ્ય છે. બલરામજીનું હળ કૃષિનું અર્થાત્ અર્થનું, અર્થાત્ ધન-શક્તિનું પ્રતીક છે. મહાભારતના યુદ્ધમાં બલરામ તટસ્થ બનીને તીર્થયાત્રા માટે નીકળી ગયા. યદુવંશના નાશ પછી તેમણે સમુદ્રતટે આસન લગાવીને પોતાની લીલાનું સંવરણ કર્યું. શ્રીમદ્ ભાગવતની કથાઓ શેષાવતાર બલરામજીના શૌર્યની સાક્ષી છે.


