મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધ્યું છે. મહિલાઓમાં વધતા બ્રેસ્ટ કેન્સરને લઈને મેડિકલ ક્ષેત્રમાં એક અભ્યાસ હાથ ધરાયો હતો. જેમાં સામે આવ્યું કે બ્રેસ્ટ કેન્સર થવાનું એક કારણ મહિલાની આ આદત છે. આજે મહિલાઓ લગ્ન બાદ પોતાના કરિયર અને અંગત જીવનને સંતુલિત કરવા માટે જન્મ નિયંત્રણ ગોળીઓનો સહારો લે છે. લાંબા સમય સુધી આ બર્થ કંટ્રોલ પિલ્સ લેવાની આદત બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે.
મહિલાઓમાં વધ્યું આ દવા લેવાનું ચલણ
મહિલાઓ આજે આર્થિક સદ્ધર થવા માટે પોતાની કારર્કિદીને લઈને વધુ ગંભીર બની છે. આજે યુવતીઓ કેરિયર કોન્સિયસ થઈ છે અને એટલે મોડા લગ્ન કરી રહી છે. પહેલા જ્યાં 21 વર્ષે કોલેજનો અભ્યાસ કર્યા બાદ યુવતીઓના લગ્ન કરાતા હતા તેની સામે હવે 25 અને 27 વર્ષે લગ્ન કરવામાં આવે છે. અને લગ્ન બાદ પણ પોતાની કારર્કિદી છોડવા ના ઇચ્છતા લાંબા સમય સુધી બર્થ કંટ્રોલ પિલ્સ એટલે કે ગર્ભનિરોધક દવા લે છે. આજકાલ મહિલાઓમાં આ દવા લેવાનો ટ્રેન્ડ વધ્યો છે. મહિલાઓ દ્વારા લેવાતી આ ગર્ભનિરોધક ગોળીઓના કારણે લાંબા ગાળે તેમના સ્વાસ્થય પર અસર થાય છે.
ગર્ભનિરોધક દવાઓ બ્રેસ્ટ કેન્સરનું કારણ
આ મૌખિક ગર્ભનિરોધક ગોળીઓ એ હોર્મોનલ દવાઓ છે જે ગર્ભાવસ્થાને રોકવા માટે કામ કરે છે. તેમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા કૃત્રિમ હોર્મોન્સ હોય છે , જે ઓવ્યુલેશન ( ઇંડા ઉત્પાદનની પ્રક્રિયા) ને અટકાવે છે . આ જ કારણ છે કે સ્ત્રીઓ તેમને માત્ર ગર્ભનિરોધક માટે જ નહીં પરંતુ અનિયમિત માસિક સ્રાવ અને હોર્મોનલ અસંતુલનને નિયંત્રિત કરવા માટે પણ લે છે. સંશોધનમાં સામે આવ્યું છે કે જે મહિલાઓ વધુ પડતી બર્થ પિલ્સ લે છે તેમનામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધુ રહે છે. સંશોધકો કહે છે કે હોર્મોનલ ગોળીઓમાં રહેલ એસ્ટ્રોજન કોષોમાં અસામાન્ય ફેરફારો લાવે છે જેનાથી કેન્સર કોષો બનવાનું જોખમ વધે છે. એટલે જ મહિલાઓએ સ્તનમાં ગાંઠ અથવા સોજો તેમજ આકાર અથવા ત્વચામાં ફેરફાર જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


