દિવાળી બાદ શાળાઓમાં રજાઓનો સમય પૂર્ણ થઈ ગયો છે. દિવાળીના નાસ્તા પણ હવે પતી ગયા હશે. ત્યારે બાળકોને દરરોજ બ્રેકફાસ્ટમાં શું આપવું તેને લઈને મૂંઝવણ છે. બાળકોને શું આપવું કે જે તેમના હેલ્થ માટે સ્વાદ માટે બેસ્ટ હોય. બાળકો માટે કંઈ ખાસ બનાવવાનો વિચાર આવે તો આ બ્રેકફાસ્ટ બેસ્ટ છે. પનીર ખાવાનું મોટાભાગના દરેક બાળકોને પસંદ હોય છે. તમે પનીરની ક્રિસ્પી પૂરી બાળકોને બ્રેકફાસ્ટમાં આપી શકો છો. નોંધી લો પનીર પૂરી બનાવવાની સરળ રીત.
પનીર પુરી માટેની સામગ્રી :
- મીઠું, લાલ મરચું, હળદર, કોથમીર, ગરમ મસાલો, પાણી જરૂરિયાત મુજબ
- 2 કપ – ઘઉંનો લોટ
- 1 કપ – છીણેલું પનીર
- 1 ચમચી તેલ
- 1 નાનો ટુકડો આદુ
પનીર પુરી બનાવવાની રીત :
આ વાનગી બનાવવા સૌપ્રથમ, એક બાઉલમાં ઘંઉનો લોટ લો. તેમાં મીઠું અને તેલનું મોયણ નાખી ભેળવો. પછી થોડું થોડું પાણી ઉમેરી કઠણ કણક બનાવો. આ કણકને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો. પછી પૂરી માટે સ્ટફિંગ બનાવવા એક બાઉલમાં છીણેલું પનીર, લીલા મરચાં, આદુ, લાલ મરચાં પાવડર, ગરમ મસાલો, મીઠું અને ધાણાજીરું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. કણકનો એક નાનો ગોળો વણી લો, વચ્ચે થોડી ચીઝ ફિલિંગ મૂકો અને કિનારીઓને સીલ કરો. પછી, તેને હળવેથી પુરીના આકારણ વણી લો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરો અને વારાફરતી પુરીઓને મધ્યમ તાપ પર સોનેરી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થઈ ગઈ તમારી પનીરની ટેસ્ટી પૂરી. આ પનીરની પૂરીને તમે રાયતું અથવા અથાણા સાથે ખાઈ શકો છો. બાળકોને નાસ્તામાં આપવી હોય તો સાથે ટમેટો કેચ આપી શકો છો.


