રેંજ આઈજીની ટીમે ત્રણ દિવસમાં ગીર સોમનાથમાં બીજો દરોડો પાડી સપાટો બોલાવતા ચકચાર
સુત્રાપાડા હાઇવે પર ટ્રકમાં કપાસ-ભૂંસાની આડમાં છુપાવેલ 36.76 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
અગ્ર ગુજરાત, વેરાવળ
જુનાગઢ રેંજ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની ટીમ દ્વારા આજરોજ સોમનાથ કોડીનાર હાઇવે ઉપર સુત્રાપાડા પંથકમાં વિદેશી દારૂના હેરાફેરીનો પડદા પાસ કરી રૂ.36.76 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. ત્રણ દિવસની અંદર રેંજ આઈજીની ટીમે બે દરોડા પાડી લાખોની કિંમતનો દારૂ ઝડપી પાડતા સ્થાનીક એલસીબી સહિત પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર સોમનાથ કોડીનાર હાઇવે ઉપર ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો ભરી એક ટ્રક આવી રહ્યાની બાતમી મળી હતી. જેના આધારે રેંજ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચનાથી આર.આર.સેલ ટીમના પીઆઈ વાય.બી.રાણા, માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જી.ચુડાસમા, પીએસઆઈ બી.ડી.માવદિયા એ સ્ટાફ સાથે સોમનાથ હાઇવે પર સુત્રાપાડાની હદમાં આવતી ન્યુ મધુવન હોટલના આગળના વાહન પાર્કીંગ એરીયામાં પડેલ ટ્રક રજી. નંબર GJ-25-0-7851 પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ઠાઠાની અંદર કપાસ-ભૂંસા પ્લાસ્ટીકના બાચકાની આડશમાં છુપાવેલ અંદાજે વિદેશી દારૂ-બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી હાથ ધરતા રૂ.36,76,404 નો 559 પેટી જેટલો દારૂ-બિયરનો જથ્થો તથા ટ્રક મોબાઈલ મળી કુલ રૂ.46.85 લાખનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂના જથ્થા સાથે જેઠા મેરૂ કોડીયાતર રહે.પાસ્તરડી, તા.ભાણવડ વાળાને ઝડપી લઈ પ્રોહી એકટની કલમો હેઠળ ગુનો સુત્રાપાડા પોલીસમાં નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો ભાણવડ તાલુકાના પાસ્તરવડીના રમેશ ઘેલા મોરી, ધાના આલા કોડીયાતર તથા દારૂનો જથ્થા આપનાર દમણના અજાણ્યા શખ્સની ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
આ તકે રેંજ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ રેંજ હેઠળના તમામ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રોહીબીશનની હેરાફેરી વેંચાણની ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા અને તેમાં સંડોવાયેલા અસામાજીક તત્વો સામે આર.આર. સેલની ટીમ સતત કડક કાર્યવાહી ચાલુ રાખશે.
ગીર સોમનાથ પોલીસની કામગીરીની સમીક્ષા જરૂરી
અત્રે નોંધનીય છે કે, એક તરફ ત્રણ દિવસ પૂર્વે તાલાલા પંથક માંથી પણ રેંજ આઈજીની ટીમે 14 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યાના ગણતરી કલાકો બાદ જ સુત્રાપાડા પંથકમાંથી ફરી 36 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો રેંજઆઈજીની ટીમે ઝડપી પાડતા ગીર સોમનાથ એલસીબી, સ્થાનીક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તો બીજી તરફ છેલ્લા એકાદ વર્ષની અંદર ગીર સોમનાથ જીલ્લો જાણે વિદેશી દારૂની હેરાફેરી માટેનું હબ બની ગયું હોય તેમ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છ થી સાત વખત દરોડા પાડી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડેલ હતુ. ત્યારે હવે ઉચ્ચકક્ષાએથી ગીર સોમનાથ પોલીસની કામગીરીની સમીક્ષા કરવાની જરૂર હોવા અંગે પ્રબુધ્ધ નાગરિકોમાં ચર્ચાઓ થઈ રહી છે.


