સમઢીયાળાની સીમમાં દારૂ ભરેલી ઇકો સાથે મહિલા સહિત બે ઝડપાયા
864 બોટલ દારૂનો જથ્થો મળ્યો, કાર-મોબાઇલ સહિત રૂ.5.12 લાખનો મુદ્દામાલ જપ્ત : રાજકોટ અને બોટાદના બે બુટલેગરોના નામ ખુલ્યાં
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્ત્વો સામે ગ્રામ્ય પોલીસની કાર્યવાહી યથાવત્ છે. ત્યારે જસદણ તાલુકાના સમઢીયાળા ગામની સીમમાં થોરીયાળી તરફ જતા રસ્તા પર દારૂ ભરેલી ઇકો કાર સાથે મહિલા સહિત બે શખસોને રૂરલ એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. કારની તલાશી દરમિયાન 864 બોટલ દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5,12,240નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂની હેરાફેરીમાં રાજકોટ અને બોટાદના બે શખસોની સંડોવણી સામે આવતાં પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આ અંગેની વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા પોલીસને સૂચના આપી હતી. જેના અનુસંધાને એલસીબી પીઆઇ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વીંછિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સમઢીયાળા ગામની સીમમાં થોરીયાળી ગામ તરફ જવાના રસ્તા પર ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન શંકાસ્પદ ઇકો કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારની અંદર તપાસ કરતાં રૂ.1.62 લાખની કિંમતની 864 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કારમાં સવાર મહિલા સહિત બે વ્યક્તિઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.
પોલીસની પૂછપરછમાં કારમાંથી ઝડપાયેલા શખસની ઓળખ પ્રદીપ હરિદાસ ગોંડલીયા (ઉ.વ.25, રહે. સરસાલી, તા. માંગરોળ) અને મહિલાની ઓળખ જ્યોતિ અમરદાસ મેસવાણિયા (ઉ.વ.45, રહે. જૂનાગઢ) તરીકે થઈ હતી. પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને ઇકો કાર સહિત કુલ રૂ.5,12,240નો મુદ્દામાલ જપ્ત કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, ઝડપાયેલા બંનેની પૂછપરછ દરમિયાન દારૂની હેરાફેરીમાં રાજકોટના હુડકો ચોકડી પાસે રહેતા અર્જુનસિંહ કરણસિંહ ઝાલા અને બોટાદમાં રહેતા અશ્વિન બાવળીયાનાં નામ સામે આવ્યાં હતાં. આ બંને શખસો દારૂના જથ્થા સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં ખુલતાં પોલીસે તેમને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની કડીઓ મેળવવા પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.


