હાથ ઉછીના આપેલા બે લાખની ઉઘરાણીમાં યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી
ફોન કેમ ઉપાડતો નથી કહી ગાળો આપી માર માર્યો; એસ.કે. ચોકથી રિક્ષામાં બેસાડી દ્વારકાધીશ હોટલ પાસે લઈ જઈ ધમકી આપ્યાનો ત્રણ શખ્સ સામે ગુનો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર એસ.કે. ચોક પાસે હાથ ઉછીના આપેલા રૂ. બે લાખની ઉઘરાણી મામલે સોની યુવક સાથે માથાકૂટ કરી તેને માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગાંધીગ્રામ શેરી નં. 5/બી, એસ.કે. ચોક પાસે રહેતા અને ખાનગી નોકરી કરતા 36 વર્ષીય મેહુલભાઈ ધનસુખભાઈ ધકાણ પાસે આરોપી ગોપાલ સુરસિંહ ઉર્ફે શૈલુભા ઝાલા આવ્યો હતો. તેણે મેહુલભાઈને ફોન કેમ ઉપાડતા નથી તેમ કહી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આરોપીએ સુરસિંહ ઉર્ફે શૈલુભા મદારસિંહ ઝાલા અને ઋષિ ઝાલાને બોલાવ્યા હતા. ત્રણેય શખ્સોએ ભેગા મળી મેહુલભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. બાદમાં વાતચીત કરવાનું કહી તેમને રિક્ષામાં બેસવાનું કહેતાં મેહુલભાઈ પોતાની રીતે રિક્ષામાં બેઠા હતા અને તેમને દ્વારકાધીશ હોટલ પાસે લઈ જઈ વાતચીત કરવામાં આવી હતી.
આ દરમિયાન આરોપી નં. 2એ હાથ ઉછીના આપેલા રૂ. બે લાખ પરત નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે મેહુલભાઈ ધકાણની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 352, 351(3) અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


