ફટાકડા ફોડવા એ આર્થિક,આધ્યાત્મિક, આરોગ્ય દરેક દ્રષ્ટિએ નુકસાનકારક છે
આપણે માત્ર મનનાં થોડા મનોરંજન અને માની લીધેલો ખોટો આનંદ મેળવવા માટે કેટલું બધું નુકસાન કરી રહ્યાં છીએ.
ફટાકડા ફોડવાથી આર્થિક, આરોગ્ય, આધ્યાત્મિક એમ દરેક પ્રકારે નુકસાન થાય છે. કાળઝાળ મોંઘવારીમાં અમુક લોકોને બે ટાઈમ પૂરૂ ખાવાનું પણ મળતું નથી,શરીર ઢાંકવા પૂરતાં વસ્ત્રો પણ મળતાં નથી,શાંતિથી સૂવા પણ મળતું નથી.અનેક લોકો રેલ્વે અને બસ સ્ટેશને તો કયારેક ફૂટપાથ ઉપર ભૂખ્યા તરસ્યા પડ્યા રહે છે.હજારો રૂપિયાનો ધૂમાડો કરતાં પહેલાં આવા જરૂરીયાતમંદ લોકોનો પણ વિચાર કરજો.આરોગ્યની દ્રષ્ટિએ ફટાકડાના ઝેરી ધૂમાડાથી શ્ર્વાસ અને ફેફસાની ગંભીર બિમારીઓ પણ થઈ શકે છે…! પ્રદુષણ ફેલાઈ છે.
કયારેક ફટાકડાનો એ બોંબ મોઢું બાળી દે છે,તો કયારેક આંખને ગંભીર નુકસાન કરે છે તો કયારેક કાયમી ખોડ – ખાંપણવાળુ શરીર પણ બનાવી દે છે.નિર્દોષ માણસો દાઝી જાય છે,એક – બીજાઓ સાથે ઝઘડાઓ થાય છે,કોર્ટના કેઈસ થાય છે અને વેરના બીજ રોપાય છે.
ફટાકડાના અવાજથી બિચારા બાપડા અબોલ પશુઓ ભયભીત થઈ જાય છે. કબૂતર,ચકલી વગેરે પંખીઓ જીવ બચાવવા અંધારામાં ઈલેકટ્રીક તારમાં અથડાઈ – ફસાઈ અને મરી જાય છે.ફટાકડાની એ ફૂલઝર કે ભમ ચકરડી હજારો કીડી – મકોડા,પતંગિયાના પ્રાણ હરી લે છે.એ બિચારા જીવો પાસે આપણી જેમ વાચા નથી કે કાંઈ બોલી શકે.
મનોજ ડેલીવાળા જણાવે છે કે દીપાવલીનો દિવસ એટલે અનંત ઉપકારી ચરમ અને પરમ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીરનો નિર્વાણ દિવસ. જૈનો તો પ્રાય : કરી ફટાકડા ફોડતા જ નથી..! ઘરના કોઈ સભ્ય પરલોકે પ્રયાણ કરે તો ફટાકડા થોડા ફોડાય…? આસો વદ અમાસ એટલે શાસનપતિ પ્રભુ મહાવીરનો નિર્વાણ મહોત્સવ… દીપાવલીના પાવન દિવસે તો અનેક આત્માઓ પૌષધ વગેરે કરી તપ – ત્યાગમાં રત રહે છે. વીર સ્તુતિ ” પુચ્છિસૂણં ” ના રણકાર ગૂંજતા હોય છે. પ્રભુ મહાવીરની અંતિમ ધર્મ સદ્દબોધ શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રની સ્વાધ્યાય કરતા હોય છે. દિપાવલી – મહાવીર નિર્વાણના દિવસે આત્માને પાંચ ઈન્દ્રિયના વિષય અને અઢાર પાપોથી દૂર રાખવા પ્રયત્નશીલ બનવાનું તેમ જ્ઞાની ભગવંતો ફરમાવે છે. પાપથી પાછા વાળે તેને પર્વ કહેવાય. પરમાત્માનું સ્મરણ કરાવે તેને પર્વ કહેવાય.
સંકલન
મનોજ ડેલીવાળા


