આટકોટ પાસે ક્રેટા કારમાંથી રૂ.18.54 લાખનો દારૂ ઝડપાયો
ભાવનગર-રાજકોટ હાઇવે પર રેન્જ ટીમનો સપાટો; 1532 બોટલ સાથે બે શખ્સોની ધરપકડ, જથ્થો મંગાવનાર સહિત ત્રણ આરોપી ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર-રાજકોટ હાઇવે પર રાજકોટ રેન્જની ટીમે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી હ્યુન્ડાઇ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની 1,532 બોટલ તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.18,54,480નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે દારૂનો જથ્થો સંભાળનાર અને મંગાવનાર સહિત ત્રણ આરોપીઓને પકડવા તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ સહિતની ટીમ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે માનવ બાતમીદારો મારફતે માહિતી એકત્ર કરી રહી હતી.
દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રેન્જની ટીમે આટકોટ બસસ્ટેન્ડ નજીક સત્યમ હોસ્પિટલ પાસે ભાવનગર-રાજકોટ હાઇવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન રજિસ્ટ્રેશન નંબર GJ-10-EM-0945 ધરાવતી હ્યુન્ડાઇ ક્રેટા કારને અટકાવી તપાસ કરતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની 1,532 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.3,39,480ની કિંમતનો દારૂ, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.18,54,480નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી રાજુ અરજણભાઈ હુણ, રહે. બોખીરા વિસ્તાર, પોરબંદર, મૂળ ભારવાડા, પોરબંદર અને ખીમા ઉર્ફે ક્કન બધાભાઈ હુણ, રહે. રાણપર, તાલુકો ભાણવડ, દેવભૂમિ દ્વારકા, હાલ શાપર-વેરાવળ, ગુજરાત ગેસ પંપ પાસે, તાલુકો કોટડાસાંગાણી, રાજકોટને પકડી પાડ્યા હતા. આ કેસમાં રામકુ વીકમા, જે દારૂનો જથ્થો સંભાળતો હોવાનું સામે આવ્યું છે, તેમજ વિજય ભાયજીભાઈ જોશી, રહે. રાણપર, તાલુકો ભાણવડ, હાલ શાપર, રાજકોટ અને જેતપુર ખાતે દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યા શખ્સ સહિત ત્રણ આરોપીઓ હજી પકડવાના બાકી છે.
આ મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને જેતપુર ખાતે કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો જાણવા પોલીસ તપાસ કરી રહી છે.


