જૂનાગઢની આંગડિયા પેઢીને લૂંટવા નીકળેલા પાંચ શખ્સોને રાજકોટ SOGએ ઝડપી લીધા
કુવાડવા નજીક વાડવા ગામ પાસે XUV કારમાંથી દેશી પિસ્તોલ, છરી, બેઝબોલનો ધોકો સહિતનાં હથિયારો મળ્યાં; લૂંટ પહેલાં જ પોલીસ ત્રાટકી, મુખ્ય સૂત્રધાર મહેબૂબ ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક વાડવા ગામ પાસે રાજકોટ શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે મોટી કાર્યવાહી કરી જૂનાગઢમાં આંગડિયા પેઢીને નિશાન બનાવવાની તૈયારીમાં હોવાની શંકા ધરાવતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, છરી, બેઝબોલનો ધોકો, એલ્યુમિનિયમની સ્ટીક સહિતનાં હથિયારો મળી આવ્યાં છે. હથિયારો સાથે ઉપયોગમાં લેવાયેલી XUV કાર સહિત કુલ રૂ.5.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર હોવાનું જણાવાતો ઉત્તરપ્રદેશનો મહેબૂબ વાંકાનેર ચોકડી પહેલાં ઊતરીને ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ PSI બી.વી. ચુડાસમા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામ નજીક વાંકાનેર ચોકડી પાસે બની રહેલા બ્રિજ નજીક અમદાવાદ તરફથી આવતી એક XUV કાર શંકાસ્પદ જણાતાં તેને અટકાવવામાં આવી હતી. કારમાં ડ્રાઇવર સહિત પાંચ શખ્સો બેઠેલા હતા. પોલીસે તમામને નીચે ઉતારી પૂછપરછ કરતાં અને કારની તલાશી લેતાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારની તપાસ કરતાં ડ્રાઇવર સીટ પાસે લાકડાનો બેઝબોલનો ધોકો અને એલ્યુમિનિયમની સ્ટીક મળી આવી હતી. ડેશબોર્ડમાંથી ડિસમિસ તથા લીલા રંગના મ્યાનવાળી છરી મળી હતી. ત્યારબાદ ડ્રાઇવર સીટની બાજુની સીટ નીચે રાખેલી કાળી પ્લાસ્ટિકની થેલી તપાસતાં તેમાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. આ ઉપરાંત સ્ક્રુડ્રાઇવર સહિતનાં સાધનો પણ કબજે કરવામાં આવ્યાં હતાં. હથિયારો અંગે પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સોએ પિસ્તોલ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના કોહડીર વિસ્તારમાં રહેતા મહેબૂબની હોવાનું જણાવ્યું હતું. મહેબૂબ ગઈકાલે તેમની સાથે આવ્યો હતો, પરંતુ વાંકાનેર ચોકડી પહેલાં ઊતરી ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ રાજકોટથી જૂનાગઢ જવા નીકળ્યા હતા અને ત્યાં આંગડિયા પેઢીમાં ઘાતક હથિયારોની મદદથી લૂંટ અથવા ધાડ પાડવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે, તેઓ કથિત યોજનાને અંજામ આપે તે પહેલાં જ SOGની ટીમે તેમને ઝડપી લીધા હતા. પાંચેય શખ્સો સામે પૂર્વઆયોજિત કાવતરું રચીને ઘાતક હથિયારો સાથે લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓને અંજામ આપવાના ઇરાદા અંગે કાર્યવાહી કરવામાં આવી છે.
પકડાયેલા શખ્સોમાં ઉત્તરપ્રદેશ અને બિહારના રહેવાસીઓ ઉપરાંત મુંબઈ અને થાણે વિસ્તારમાં રહેતા શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા બિહારના રંજનકુમારસિંહ ફિરંગીસિંહ અગાઉ ચોરી, લૂંટ, ધાડ અને NDPS સહિતના અનેક ગુનાઓમાં પકડાયો હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપીઓએ પણ અગાઉ ગુનામાં સંડોવાયેલા હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે.
SOGએ પકડેલા આરોપીઓની ઓળખ જાકીરઅલી લીયાકતઅલી (ઉં.વ. 55), રંજનકુમારસિંહ ફિરંગીસિંહ (ઉં.વ. 52), સૈયદુદિન નજજીમીયા અંસારી (ઉં.વ. 51), મહમદ શાહબાઝ શેખ (ઉં.વ. 31) અને સંજય સૂર્યનારાયણ સિંહ રાજપૂત (ઉં.વ. 48) તરીકે થઈ છે. આ પૈકીના કેટલાક ઉત્તરપ્રદેશના, એક બિહારનો અને અન્ય મુંબઈ-થાણે વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી હથિયારો અને કાર સહિત રૂ.5.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર મહેબૂબને ઝડપી પાડવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. રાજકોટ SOGની આ કાર્યવાહીથી જૂનાગઢમાં આંગડિયા પેઢીને નિશાન બનાવવાની કથિત યોજનાનો પર્દાફાશ થયો છે.


