વઢવાણ પોલીસ જાપ્તામાંથી પાંચ માસ પહેલાં ફરાર થયેલો આરોપી જસદણમાંથી ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે નવા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો : ચોરીના ગુનામાં પકડાયા બાદ પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટ્યો હતો
અગ્ર ગુજરાત, રાજકોટ
વઢવાણ પોલીસ સ્ટેશનના પોલીસ જાપ્તામાંથી પાંચ માસ પહેલાં ફરાર થઈ ગયેલા આરોપીને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે જસદણમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ચોરીના ગુનામાં પકડાયા બાદ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલો અને ત્યારબાદ પોલીસને હાથતાળી આપી ફરતો ઘનશ્યામ ઉર્ફે ઘનો કાંજીયાને જસદણના નવા બસ સ્ટેન્ડ પાસેથી ખાનગી બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ, રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં પેરોલ જમ્પ કરનારા, પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા તેમજ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વઢવાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં આરોપી તરીકે ઘનશ્યામ ઉર્ફે ઘનો સ/ઓ વિરૂભાઈ કાંજીયા (ઉં.વ.23, રહે. જસાપર ગામ, પાણીના ટાંકા પાસે, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે વઢવાણ પોલીસ સ્ટેશનમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થવા અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 262 હેઠળ અલગથી ગુનો પણ નોંધાયો હતો. ત્યારથી આરોપી પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો.
આ ગુનાની તપાસ રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્સ. જી.જે. ઝાલા કરી રહ્યા હતા. દરમિયાન એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીની સૂચના મુજબ પો.સબ.ઇન્સ. જી.જે. ઝાલા, પો.હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયાને સંયુક્ત બાતમી મળી હતી કે, ફરાર આરોપી જસદણ ખાતે આવ્યો છે. જેના આધારે ટીમે જસદણના નવા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનોને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપી સામે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ચોરી તથા પોલીસ જાપ્તામાંથી ફરાર થવા અંગેના બે ગુના નોંધાયેલા છે. હાલ તેને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઇન્સ. એફ.એ. પારગી, પો.સબ.ઇન્સ. જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા, પો.હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, ચંદુભાઈ પલાળીયા તેમજ પો.કોન્સ. રામદેવસિંહ ઝાલા અને વિજયગીરી રસીકગીરી જોડાયા હતા.


