આજકાલ લોકોમાં વાળ સંબંધિત સમસ્યા વધી છે. વાળ ખરવા, વાળમાં ખોડો, વાળ તૂટવા અને અકાળે વાળ સફેદ જેવી સમસ્યા લોકોમાં વધી છે. વાળ સુંદર હોય તો વ્યક્તિત્વમાં નિખાર આવે છે. ચહેરાની સુંદરતા વધારે છે સ્વસ્થ વાળ. વાળમાં વધતી આ સમસ્યાનું કારણ ઓછી ઊંઘ પણ હોઈ શકે તેવું નિષ્ણાત કહે છે. તેમના જણાવ્યા મુજબ વાળ પણ આપણા શરીરનો એક ભાગ છે અને તેમને પોષણ અને આરામની જરૂર હોય છે.
રાત્રિની ઊંઘ વાળ માટે પોષણ
નિષ્ણાત કહે છે કે જ્યારે આપણે રાત્રિની ઊંઘ લઈએ છીએ, ત્યારે આપણું શરીર સમારકામ શરૂ કરે છે. ઊંઘના આ સમય દરમિયાન અન્ય અંગોમાં જેમ રિપેરકામ થાય છે તેમ વાળના મૂળ મજબૂત થાય છે. સારી ઊંઘની અસર વાળ પર દેખાય છે વાળનો વિકાસ સુધરે છે. પરંતુ જો આપણને પૂરતી ઊંઘ ન મળે તો આ સમારકામ પ્રક્રિયા અધૂરી રહે છે. આનાથી વાળના મૂળ નબળા પડી જાય છે, અને વાળ ધીમે ધીમે તૂટવા અને ખરવા લાગે છે. ઊંઘનો અભાવ આપણા શરીરમાં તણાવ હોર્મોન કોર્ટિસોલ વધારે છે. આ હોર્મોન આપણા શરીરને તણાવમાં મૂકે છે. અને જ્યારે તણાવ વધે છે, ત્યારે તે વાળના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે.
વાળની સંભાળમાં કરો આટલું કામ
સ્વસ્થ વાળ રાખવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જોઈએ. સુંદર અને સ્વસ્થ વાળ માટે પૌષ્ટીક આહારની સાથે ઊંઘ પણ એક ખોરાક કહી શકાય. માટે શક્ય બને ત્યાં સુધી દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. સૂવાનો સમય નક્કી કરવા અને દિનચર્યા નક્કી કરવાથી તમારી ઊંઘ અને તમારા વાળના સ્વાસ્થ્ય બંનેમાં સુધારો થશે. પૂરતી ઊંઘ લેવાથી વાળનો વિકાસ તો સુધરે જ છે, પણ તમારા ચહેરાને તાજગી અને તમારા શરીરને ઉર્જા પણ મળે છે. અકાળે વાળ સફેદ થવા, ટાલ પડવી અને વાળ ખરવાની સમસ્યાથી બચવા આટલું કામ જરૂર કરવું જોઈએ.
વાળ ખરતા અટકાવવા કરો આ ઉપાય
વાળ ખરતા અટકાવવા તમે સૂવાના ઓછામાં ઓછા એક કલાક સોશિયલ મીડિયાથી દૂર રહો. તમે સૂતા પહેલા મોબાઇલ ફોન અને લેપટોપને બાજુ પર મૂકી હળવા કાર્યો કરો અથવા પરિવારના સભ્યો સાથે વાતચીત કરો. રાત્રિના ઊંઘમાં મુશ્કેલી ના આવે માટે હળવું રાત્રિભોજન કરો. તણાવ ઓછો કરવા તમે લાઈટ સંગીત અથવા યોગ કરી શકો છો. દરરોજ ઊંઘવાનો સમયમાં નિયમિતતા રાખો. એટલે કે એક જ સમયે સૂવા અને જાગવાનો પ્રયાસ કરો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


