ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની મેજબાનીનો અધિકાર મળી ગયો છે.બુધવારે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક બાદ અમદાવાદને હોસ્ટ સિટી જાહેર કરવામાં આવ્યું.ભારત 20 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરશે. આ અગાઉ 2010માં નવી દિલ્હીએ આ ગેમ્સનું આયોજન કર્યું હતું. ત્યારે ભારતીય ખેલાડીઓએ 38 ગોલ્ડ સહિત 101 મેડલ જીત્યા હતા.
કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજનની તૈયારીઓ શરૂ
અહીં ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે પહેલાથી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અહીં ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકો માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મુખ્ય વેન્યૂ તરીકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ,નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને પ્રસ્તાવિત કર્યા છે.
ઓલિમ્પિકની દાવેદારી થશે મજબૂત
આપને જણાવી દઈએ કે,કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કોઈ પણ દેશ માટે ખાલી રમતનું આયોજન નથી, પણ તેની આંતરરાષ્ટ્રીય છબિ,વિકાસ ક્ષમતા,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિઝનનું પણ પ્રતીક માનવામાં આવે છે.અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા,ઇંગ્લેન્ડ,ભારત,કેનેડા અને ન્યૂઝીલેન્ડ સહિત કુલ 9 દેશ તેની મેજબાની કરી ચૂક્યા છે.ભારતને બીજી વાર મેજબાની કરવાનો અધિકાર મળ્યો છે.કોમનવેલ્થ ગેમ્સ 2030ની મેજબાની મળવાથી ઓલિમ્પિક ગેમ્સ 2036ની મેજબાની માટે ભારતની દાવેદારી મજબૂત થશે. ભારત 2036ના ઓલિમ્પિક ગેમ્સની મેજબાનીની તૈયારી પણ કરી રહ્યું છે. પીએમ મોદીએ લાલ કિલ્લાથી તેની જાહેરાત પણ કરી હતી. ગત વર્ષે નવેમ્બરમાં ભારતે ઓલિમ્પિક ગેમ્સ 2036ની મેજબાની મેળવવા માટે દાવેદારી પણ કરી હતી.


