અહીં રમાયેલી સુલતાન અઝલાન શાહ હોકી ટૂર્નામેન્ટમાં ભારતને નિરાશા હાથ લાગી છે. બેલ્જિયમ સામે રમાયેલી મેચમાં ભારતીય હોકી ટીમનો 1-0થી પરાજય થયો હતો અને ભારતે ટ્રોફી ગુમાવી હતી. ટૂર્નામેન્ટમાં ગત 25 તારીખે રમાયેલી લીગ મેચમાં પણ બેલ્જિયમે ભારતને હાર આપી હતી અને સાથે જ પહેલીવાર આ પ્રતિષ્ઠિત ખિતાબ પર કબ્જો જમાવ્યો હતો. ફાઇનલ મુકાબલામાં બંને ટીમો પહેલા ક્વાર્ટરમાં ગોલ કરી શકી નહોતી.
બંને ટીમોએ પહેલા હાફમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ હતું. જોકે બીજા ક્વાર્ટરમાં ડુવેકોટ રોમને શાનદાર ગોલ કરીને બેલ્જિયમને 1-0થી લીડ અપાવી હતી. બેલ્જિયમની ટીમે ભારતીય હોકી ટીમ પર એટેક કર્યો હતો અને તે સતત ભારતીય ડિફેન્સ લાઇનને મુશ્કેલીમાં મુકતી જણાઇ હતી. બેલ્જિયમને મેચમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા પરંતુ મિસકમ્યુનિકેશન અને ભારતના એલર્ટ ડિફેન્સને કારણે બેલ્જિયમ તે કોર્નરનો ફાયદો મેળવી શક્યું નહોતું. અને સ્કોર 1-0થી આગળ વધી શક્યો નહોતો. ભારતીય હોકી ખેલાડીઓએ બોલ પર નિયંત્રણ રાખ્યુ હતું અને તેઓ હરીફના હાફમાં બોલને લાંબા સમય સુધી પોતાની સાથે રાખવામાં સફળ રહ્યા હોવા છતાં ગોલ કરી શક્યા નહોતા. મેચના ફાઇનલ ક્વાર્ટરમાં ભારતે ગોલ કરવાના મરણિયા પ્રયાસ કર્યા હતા પરંતુ ટીમને નિરાશા જ હાથ લાગી હતી અને અંતે ભારતનો 1-0થી પરાજય થયો હતો.


