ભારતમાં સાઇબર ક્રાઇમ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્થાપિત ‘ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C) હેઠળના વિવિધ પ્રયાસોને કારણે અત્યાર સુધીમાં 23.02 લાખથી વધુ ફરિયાદોમાં લોકોને છેતરાતા બચાવીને રૂપિયા 7,130 કરોડથી વધુની નાણાકીય રકમ સુરક્ષિત કરી શકાઈ છે. આ માહિતી ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમારે રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને આપી હતી.
સફળતાના મુખ્ય સ્તંભો
‘સિટીઝન ફાઈનાન્સિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ (CFCFRMS)ને 2021માં લોન્ચ કરવામાં આવી હતી. નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ‘1930’ પણ કાર્યરત છે, જે ઠગો દ્વારા ફંડને સગેવગે કરતા અટકાવવામાં મદદરૂપ થાય છે. I4C દ્વારા 10.09.2024ના રોજ બેંકો/નાણાકીય સંસ્થાઓના સહયોગથી સાઇબર ગુનેગારોની ઓળખકર્તા શકમંદોની રજિસ્ટ્રી લોંચ કરવામાં આવી છે.
આ રજિસ્ટ્રીમાં બેંકો પાસેથી 18.43 લાખથી વધુ શકમંદોના ડેટા મળ્યા છે. તેના આધારે 24.67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સની વિગતો વહેંચાઈ છે. આ પ્રયાસોને કારણે રૂપિયા 8031.56 કરોડના ટ્રાન્ઝેક્શન્સને સફળતાપૂર્વક નકારી કઢાયા છે.
I4C ખાતે સ્થપવામાં આવેલું સાઈબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC), બેંકો, ટેલિકોમ પ્રોવાઈડર્સ, પેમેન્ટ એગ્રીગેટર્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓને એકસાથે લાવીને ગુનાખોરીનો સામનો કરવા ત્વરિત સહયોગ પૂરો પાડે છે. અત્યાર સુધીમાં, 11.14 લાખથી વધુ સિમ કાર્ડ અને 2.96 લાખથી વધુ IMEI બ્લોક કરવામાં આવ્યા છે.
તપાસકર્તાઓની તાલીમ અને ટેક્નોલોજીકલ સપોર્ટ
સાઇબર ક્રાઇમની તપાસ, ફોરેન્સિક્સ અને પ્રોસિક્યુશન માટે પોલીસ અને ન્યાયિક અધિકારીઓના ક્ષમતા નિર્માણ માટે ‘સાઈટ્રેન’ નામનું મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ (MOOC) પ્લેટફોર્મ વિકસાવાયું છે. જેમાં 1,44,895થી વધુ અધિકારીઓ રજિસ્ટર્ડ થયા છે. તપાસ અધિકારીઓને પ્રારંભિક તબક્કાની ફોરેન્સિક તાલીમ પૂરી પાડવા માટે નવી દિલ્હી અને આસામ ખાતે અત્યાધુનિક લેબોરેટરીઝ (NCFL)ની સ્થાપના કરવામાં આવી છે. દિલ્હીની NCFL એ લગભગ 12,952 સાઇબર ગુના સંબંધિત કેસમાં LEAને સેવા આપી છે.
સમન્વય પ્લેટફોર્મ LEA માટે સાઇબર ક્રાઇમ ડેટા શેરિંગ, વિશ્લેષણ અને આંતરરાજ્ય કડીઓ પૂરી પાડવામાં આવે છે. ‘પ્રતિબિમ્બ’ મોડ્યુલ ગુનેગારો અને ગુનાખોરીના માળખાના લોકેશનનો નકશા આધારિત વિઝ્યુઅલ આપે છે, જેના પરિણામે 16,840 આરોપીઓની ધરપકડ થઈ છે. I4Cના આ પગલાંઓએ સાઇબર ફ્રોડ સામે દેશની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – Virat Kohliની સદી બાદ ગૌતમ ગંભીરે આ શું કર્યું?, જાણો સમગ્ર મામલો


