ખોખડદળ-વડાળી ડ્રાફટ ટીપી સ્કીમ નં.૫૪ સરકારમાં મોકલવા લીલીઝંડી
રૂડાના વાર્ષિક હિસાબોને બોર્ડ બેઠકમાં સત્તાધીશોની બહાલી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં ગઇકાલે ૧૮૪મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં પૂર્વ રાજકોટ અને દક્ષિણ રાજકોટની ભાગોળેની ખોખડદળ-વડાળી ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.૫૪ સરકારમાં મોકલવાનું ઠરાવવા સર્વાનુમતે બહાલી અપાઇ હતી.
વિશેષમાં રૂડાના ચેરમેન તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, બોર્ડ મિટિંગ અંતર્ગત સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૫૬ ખોખડદળ-વડાળી મામલે અધિનિયમ-૧૯૭૬ તથા નિયમો-૧૯૭૯ હેઠળ કાર્યવાહી કરી કલમ-૪ર (૧) હેઠળ રાજયપત્રમાં અને દૈનિક પત્રોમાં કરેલ પ્રસિધ્ધિની કાર્યવાહીને બહાલ રાખવા તથા અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૭ હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજુઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૮(૧) હેઠળ રાજય સરકારને મંજુરી અર્થે મોકલવા મંજૂરી આપવામાં આવી હતી. તદ્દઉપરાંત રૂડાના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબોને બહાલી આપવામાં આવી હતી.
ઉપરોક્ત બોર્ડ મિટિંગમાં રૂડાના ચેરમેન કમ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ આર.એન.કુચારા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઇ પીપળીયા, રૂડાના સી.ઈ.એ. અને ડેપ્યુટી મ્યુનિસિપલ પથિક પી.પટેલ, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે આર.ડી.પરમાર તથા વેસ્ટ ઝોન મ્યુનિ.સિટી એન્જીનિયર કે.કે.મહેતા ઉપસ્થિત રહ્યા હતા.


