જૂના ઝઘડાની અદાવતમાં મિત્રએ જ ઝૂંપડામાં રહેતા આધેડને સળગાવ્યાનો આક્ષેપ
પુનિતનગરમાં મધરાતે પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતાં ભીમાભાઈ મારવાડી દાઝ્યા; એક વર્ષ પહેલાંની મારામારીનો ખાર રાખી હુમલો કર્યાનું નિવેદન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા પુનિતનગર વિસ્તારમાં જૂની અદાવતમાં મિત્રએ જ મિત્રને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાણીના ટાંકા પાસે ઝૂંપડામાં રહેતા 45 વર્ષીય ભીમાભાઈ કાનાભાઈ મારવાડી મધરાતે દાઝેલી હાલતમાં મળી આવતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાનમાં આવ્યા બાદ તેમણે પોતાના જૂના મિત્ર સોમા મારવાડીએ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધાનું જણાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, પુનિતનગર પાણીના ટાંકા પાસે ઝૂંપડામાં રહેતા ભીમાભાઈ મારવાડી રાત્રિના બારેક વાગ્યાના અરસામાં દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી. સવારે ભાનમાં આવ્યા બાદ ભીમાભાઈએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, પત્ની અને સંતાનો અલગ રહેતાં હોવાથી તેઓ પોતાના વૃદ્ધ માતા સાથે ઝૂંપડામાં રહે છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. રાત્રિના સમયે તેમનો જૂનો મિત્ર સોમા મારવાડી ત્યાં આવ્યો હતો અને અગાઉ થયેલી મારામારીનો ઉલ્લેખ કરી તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો.
ભીમાભાઈના જણાવ્યા મુજબ, એક વર્ષ પહેલાં બંને વચ્ચે ચા પીવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેમાં તેમણે સોમા સાથે મારામારી કરી હતી. આ જૂની અદાવતનો ખાર રાખીને સોમાએ રાત્રે તેમની પાસે આવી ઝઘડો કર્યો હતો. મોડું થઈ ગયું હોવાથી સવારે વાત કરવાનું કહેતાં જ સોમાએ અચાનક પોતાની પાસેનું પેટ્રોલ તેમના શરીર પર છાંટી દિવાસળી ચાંપી દીધી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. આગ લાગતાં ભીમાભાઈએ બૂમાબૂમ કરી હતી. તેમનાં વૃદ્ધ માતા ભારે શરીર અને ઉંમરના કારણે ઝૂંપડામાંથી બહાર નીકળી શક્યાં નહોતાં. દરમિયાન નજીકના કારખાનામાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને આગ ઓલવી હતી. ત્યારબાદ 108ને જાણ કરવામાં આવતાં ભીમાભાઈને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. એક વર્ષ જૂની ચા પીવા બાબતની તકરારનો બદલો લેવા મિત્રએ જ પેટ્રોલ છાંટી આગ ચાંપી હોવાના ભીમાભાઈના આક્ષેપોને આધારે તાલુકા પોલીસે સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. સોમાએ ખરેખર આવું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગે પોલીસ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે.


