તહેવારમાં ૧૫૦૦થી વધુ ૧૦૮ ઇમરજન્સીની વ્યવસ્થા
૬૦૦૦થી વધારે કર્મચારીઓને ડયુટી સોંપાઇ, દિવાળીમાં ૨૦ ટકા કેસો વધવાની શકયતા : એકશન પ્લાન તૈયાર કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાના અને અકસ્માતના બનાવોમાં વધારો થતો હોય છે. આ સમયે 108ની સુવિધા લોકો માટે સંજીવની સાબિત થતી હોય છે. આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈ 108ની ટીમે ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. તહેવારોના દિવસોમાં સામાન્ય દિવસ કરતા 20 ટકા જેટલા કેસ વધી જતા હોય છે. આ વર્ષે અલગ અલગ જિલ્લાઓમાં મળી કૂલ 1500 એમ્બ્યુલન્સ અને 6000નો સ્ટાફ એલર્ટ રહેશે.
દિવાળીના તહેવાર દરમિયાન ઇમરજન્સી સેવાઓમાં દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ દરમિયાન અકસ્માત, દાઝી જવાના, ઝેરી પદાર્થ પીવાના અને અન્ય મેડિકલ ઇમરજન્સીના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં 108 દ્વારા દરરોજ સરેરાશ 5,500થી 6,000 ઇમરજન્સી કોલ હેન્ડલ કરવામાં આવે છે, જે દિવાળીના દિવસોમાં વધીને અંદાજે 7,500 સુધી પહોંચી શકે છે. આ સંભવિત વધારાને પહોંચી વળવા માટે માનવબળ, દવાઓ, એમ્બ્યુલન્સની જાળવણી અને ફિલ્ડ મેનેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
હાલમાં ગુજરાતમાં 108 સેવા હેઠળ આશરે 1,500 એમ્બ્યુલન્સ કાર્યરત છે. બીજી તરફ, પોલીસ, ફાયર, મેડિકલ અને અન્ય ઇમરજન્સી સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવા માટે શરૂ કરવામાં આવેલી 112 ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી સેવા પણ તહેવારો દરમિયાન સજ્જ રહેશે. 108 અને 112ની ટીમો દ્વારા કોલના સંભવિત વધારાને ધ્યાનમાં રાખીને રિસોર્સિસનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ઇમરજન્સીના સમયે લોકોને ઝડપી સહાય મળી શકે અને દિવાળી દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
આ અંગે 108 ના CEO જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. દરેક વર્ષે કયા સમયે કયા જિલ્લામાં કયા પ્રકારની ઇમરજન્સીમાં વધારો થઈ શકે તેમ છે, એનું સાયન્ટિફિક એનાલિસિસ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે. એ ફોરકાસ્ટ અનુસાર અમે અમારા રિસોર્સિસને પણ અલાઇન કરીએ છીએ, જેના કારણે વધનારા કોલ વોલ્યુમને પહોંચી વળવા માટે અમારા કઠવાડા ખાતેના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર્સમાં વધારે જરૂરિયાત મુજબના ઇઆરઓ છે (એટલે કે ઇમરજન્સી રિસ્પોન્સ ઓફિસર), ટીમ લીડ્સ અને ઇઆરસીપી ફિઝિશિયન્સ વધારે અમે ડિપ્લોય કરીએ છીએ.
એવી જ રીતે ફિલ્ડમાં પણ જે જે જિલ્લાઓમાં કે શહેરોમાં અને ખાસ કરીને અમુક સ્થળોમાં પણ, કારણ કે અમે ગૂગલ હોટસ્પોટ્સની થિયરીને ફોલો કરીએ છીએ જેથી અમારો રિસ્પોન્સ ટાઇમ મિનિમાઇઝ રહે અને પેશન્ટને અથવા તો વિક્ટિમ્સને ઝડપથી આ સેવા પ્રાપ્ત થઈ શકે તે માટે અમારી એમ્બ્યુલન્સનું ડાયનેમિક રીલોકેશન અમે કરતા હોઈએ છીએ. તો આ બધી જ પ્રક્રિયામાં વધારાનું દિવાળી જ્યારે ફેસ્ટિવલ હોય છે ત્યારે ગુજરાતની અંદર દિવાળી એ લગભગ પાંચ થી સાત દિવસનું લાંબુ પર્વ છે જેમાં ઘણા બધા પ્રાઇવેટ હોસ્પિટલ્સ બંધ હોય છે અને ડોક્ટર્સ પણ રજા પર હોય છે.
108 એમ્બ્યુલન્સનો રિસ્પોન્સ ટાઈમ ઘટીને 11 થી 12 મિનિટ થયો
જશવંત પ્રજાપતિએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના પી.એચ.સી., સી.એચ.સી.માંથી જે સારા એમ્બ્યુલન્સીસ હતા એને પણ અમારી 108ની સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરવાથી લગભગ અમારી 1500 જેટલી એમ્બ્યુલન્સીસ ગુજરાતમાં કાર્યરત છે, જેના કારણે અમારો રિસ્પોન્સ ટાઇમ પણ જે 15-16 મિનિટ હતો એ ઘટીને 11 થી 12 મિનિટ અને શહેરોમાં તો લેસ ધેન 10 મિનિટ્સ રિસ્પોન્સ ટાઇમ અમે પહોંચી શક્યા છીએ.
આ ઉપરાંત આ વર્ષે 112 નંબરની ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી સર્વિસ અમલમાં આવેલી છે, જેના અમ્બ્રેલામાં 112 હેઠળ પોલીસની 100 નંબરની જે કાર્યરત હતી એ સેવાઓ, ફાયરની 101 નંબરની સેવાઓ, 108 નંબરની મેડિકલ ઇમરજન્સી સેવાઓ, 181 અભયમ વુમન હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની 1070 અને 1077 આ બધી જ સિસ્ટમ્સનું ઇન્ટિગ્રેટ કરીને આખા રાજ્યમાંથી કોઈપણ પ્રકારની ઇમરજન્સી હોય માત્ર 112 નંબર ડાયલ કરવાથી તમામ પ્રકારની જરૂરી હેલ્પ—તે હેલ્પ પોલીસની હોઈ શકે, ફાયરની હોઈ શકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની હોઈ શકે, મેડિકલ ઇમરજન્સીની હોઈ શકે કે વુમન સેફ્ટીની હોઈ શકે—તો અમારા કોલ સેન્ટરમાંથી સીધો જ એનો પ્રતિસાદ આપી અને યોગ્ય રિસોર્સિસને એક્ટિવેટ કરી શકાય, રિસ્પોન્સ ટાઇમ મિનિમમ થઈ શકે.


