આ કામગીરી ગેરકાયદે હથિયારો અને અન્ય શંકાસ્પદ સામગ્રી સપ્લાય કરવા સહિતની માહિતી પ્રાપ્ત થયેલા નેટવર્ક્સ પર કેન્દ્રિત છે.
હથિયારોનો પુરવઠો અને શંકાસ્પદ નેટવર્કની તપાસ
રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAએ વહેલી સવારે દેશના અનેક રાજ્યોમાં એકસાથે મોટા પાયે દરોડા પાડ્યા હતા. આ દરોડા બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત કુલ 22 સ્થળોએ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી NIAના પટના ઝોનલ ઓફિસ દ્વારા તાજેતરમાં દાખલ કરાયેલી FIR સાથે સંબંધિત છે. જે ગેરકાયદેસર હથિયારોનો પુરવઠો અને શંકાસ્પદ નેટવર્કની તપાસ કરે છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટમાં સંડોવાયેલા આરોપીઓના જોડાણની પણ તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી બ્લાસ્ટ કેસ સાથે જોડાણ
NIA સૂત્રો કહે છે કે આ કેસ સંભવિત આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા તત્વોની તપાસનો એક ભાગ છે. આ FIRની તપાસ દરમિયાન, એજન્સીને કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા, જેના આધારે દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા અથવા શંકાસ્પદ લોકોના જોડાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
NIA શું શોધી રહી છે?
તપાસકર્તાઓ માને છે કે આ ગેરકાયદેસર હથિયાર સપ્લાય ચેઇન દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ નેટવર્ક સાથે જોડાયેલ હોઈ શકે છે, તેથી એજન્સી બંને કેસોને સમાંતર રીતે જોડીને તપાસ આગળ ધપાવી રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બિહાર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ થઈને દિલ્હી-NCRમાં મોટા પ્રમાણમાં હથિયારો ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવી રહ્યા હતા. NIA અનેક શંકાસ્પદોની યાદીના આધારે શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચોઃ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની બે દિવસની ભારતની મુલાકાત અંગેનું સંપૂર્ણ સમયપત્રક જાણો


