પાટલીપુત્ર નગરના વિક્રમ રાજા અને મહારાણી મદનરેખાનો યુગબાહુ નામે એક પુત્ર હતો. સરળ, સાલસ અને ગુણિયલ હતો. એક દિવસ પિતા-પુત્ર બેય જણા રાજસભામાં બેઠેલા હતા, ત્યારે એક માણસે આવીને વાત કરી નદીમાં અચાનક પૂર આવેલું છે અને માણસો પરેશાન થઈ રહ્યા છે. રાજા કંઈ પણ જવાબ આપે એ પહેલાં યુગબાહુએ પિતાને કહ્યું, પિતાજી, મને આજ્ઞા આપો. પાણીના ઉપદ્રવને શાંત કરું.
પિતાજીએ કહ્યું, તું ચિંતા ના કર, આ ઉપદ્રવ થોડીવારમાં જ શાંત થઈ જશે. એમ કહીને એમની પાસે એક સોનાનો મંત્રાધિષ્ઠિત પત્ર હતો. એ પાણીમાં નાંખીને કંઈક મંત્રજાપ કર્યો. થોડીવારમાં પાણીનો ઉપદ્રવ શાંત થઈ ગયો. બધા પાછા જવાની તૈયારી કરી રહ્યા હતા. અચાનક નદીના ભાગમાંથી કોઈ સ્ત્રીના રડવાનો અવાજ આવ્યો. સાથે શબ્દો સંભળાયા. `કોઈ રાજપુત્ર આવે ડૂબી રહેલી મને બચાવો.’ બધાની નજર અવાજની દિશામાં ગઈ. કોઈ સ્ત્રી જલપ્રવાહમાં તણાઈ રહી હતી. એને પાણીમાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આવો વિચાર કરીને યુગબાહુ પાણીમાં પડ્યો. તરતો તરતો એ પેલી સ્ત્રીની દિશામાં આગળ વધ્યો. જેમ જેમ એ આગળ વધતો ગયો તેમ તેમ પેલી સ્ત્રી પણ આગળ વધતી ગઈ. યુગબાહુ વિચાર કરે છે, આ છે કોણ? કોઈ પણ જાતના બીજા વિચારો કર્યા વગર એ તો પેલી બાઈની પાછળ પાછળ જાય છે. સાંજ પડી ગઈ, પણ કંઈ ઠેકાણું પડ્યું નહીં.
આ બાજુ વિક્રમ રાજા ચિંતા કરવા લાગ્યા. હજુ સુધી કેમ કંઈ સમાચાર આવ્યા નહીં. એમણે સેવકોનેે ચારે દિશામાં દોડાવ્યા. તપાસ કરો, કુંવરને ગમે ત્યાંથી શોધીને લાવો. સેવકોએ તપાસ ચાલુ કરી, પણ કોઈ જાતનો પત્તો ન મળ્યો.
અને અચાનક જ એક દિવસ દ્વારપાળે આવી સમાચાર આપ્યા. મહારાજ! કુંવર પધારી રહ્યા છે. એટલામાં તો કુંવર આવી ગયા. રાજાએ કુંવરને જોયા. રાજા ખુશ ખુશ થઈ ગયા. સિંહાસન ઉપરથી ઊભા થયા. દીકરાને ભેટી પડ્યા. વાતાવરણ અત્યંત સંવેદનશીલ બની ગયું. રાજાએ કુંવરને પૂછ્યું, ક્યાં ગયો હતો? કેમ આટલો બધો સમય લાગ્યો?
કુંવરે પોતાની આપવીતી સંભળાવી. એક સ્ત્રીને બચાવવા હું થાકી ગયો હતો છતાં આગળ વધવાનું ચાલુ રાખેલું. થાકના કારણે હું બેહોશ થઈ ગયો, પણ જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે ત્યાં ન મળે પાણી કે ન મળે નદી. અરે! પેલી સ્ત્રી પણ અદૃશ્ય થઈ ગયેલી.
હું તો આશ્ચર્ય ચકિત થઈ ગયેલો. હું વિચાર કરતો હતો કે હું અહીં કેવી રીતે આવ્યો. બધું યાદ કરીને આસપાસ નજર કરી તો એક સાત માળની હવેલી મારા જોવામાં આવી. હું તો એ હવેલીમાં ગયો. હું જ્યારે હવેલીનું નિરીક્ષણ કરતો હતો ત્યારે એક પરિચારિકા આવીને શારદાદેવીની પાસે મને લઈ ગઈ. મેં શારદાદેવીને નમસ્કાર કર્યા. દેવીએ મારા ઉપર પ્રસન્ન થઈને કહ્યું, તારા સત્યથી હું ખુશ થઈ છું. તારી પરીક્ષા કરવા મેં આ બધો પ્રબંધ કરેલો હતો. પરીક્ષામાં તું પાસ થયો છું. આજે તો તું રાજકુમાર છે, પણ ગયા ભવની તારી સ્થિતિ તું જાણે છે?
મેં કહ્યું એ તો મને કેવી રીતે જાણ હોય? આપ કહો તો મને જાણવા મળે. એમણે કહ્યું તો સાંભળ, એમણે મારા પૂર્વભવની વાત કહેવા માંડી.
પુષ્પુર નામનું એક નગર હતું. એ નગરમાં એક દરિદ્ર નિર્ધન જન તરીકે હું ત્યાં રહેતો હતો. મારી આસપાસના માણસો સુખી સંપન્ન હતા. એ બધા સારાં સારાં કપડાં પહેરે, સારી રીતે રહેતા હોય અને આનંદ કલ્લોલ કરતા હોય એ જોઈને મને અસહ્ય વેદના થતી, કારણ કે મારે રહેવા માટે કોઈ સ્થાન ન હતું, પહેરવા માટે વસ્ત્ર ન મળે અને ખાવા માટે મિષ્ટાન્ન તો ઠીક પણ સૂકા રોટલાનો કટકો પણ ન મળે. મારે કેવી રીતે જીવવું? મારા માટે આ પ્રશ્ન થઈ પડેલો. મારા ચિત્તમાં ભયંકર ઉદ્વેગ થવા લાગ્યો. મારા માટે જીવવું અઘરું થઈ પડ્યું.
છેવટે મેં એક દિવસ નજીકમાં જ રહેલા પર્વત પર ચઢી ત્યાંથી જીવન ટૂંકાવવા માટે પાક્કો નિર્ણય કર્યો. તે પર્વત પર ધીમે ધીમે ઉપર ચઢ્યો અને ટોચ ઉપરથી ઝંપલાવવાની તૈયારી કરે છે એ જ સમયે અવાજ આવ્યો, અરે! અરે! ઓ ભાઈ! આ શું કરે છે? અટકી ગયો અને ચારે તરફ જોવા લાગ્યો.
હકીકતમાં મુનિ મહાત્મા એ પહાડ ઉપર સાધના કરતા હતા. જ્યારે એમને ખાતરી થઈ કે આ માણસ નક્કી આત્મહત્યા કરવા જ આવ્યો છે ત્યારે એમણે મોટેથી બૂમ પાડી અને હું અટકી ગયો. એ મહાત્મા મારી પાસે આવ્યા. મારા મસ્તક ઉપર હાથ ફેરવ્યો અને સમજાવ્યું, આ રીતે જીવનનો અંત આવી શકે, સમસ્યાનો નહીં. સમસ્યાનો અંત સમજદારીથી જ આવે અને સમજદારી ધીરજ વગર ન આવી શકે.
હું તો એમની વાણી જ સાંભળતો રહ્યો. દેવીની વાતો સાંભળીને એમના પ્રત્યે અપાર અહોભાવ જાગ્યો. અરે! મને થાકનો પણ અનુભવ થતો ન હતો.
મહાત્માએ વાત આગળ ચલાવી. હવે તારે જ વિચારી લેવું જોઈએ, તારે અમૂલ્ય જીવનને આગળ વધારવું છે કે જીવનની ઈતિશ્રી કરી નાંખવી છે?
મારા જવાબની રાહ જોયા વગર એમણે કહ્યું, અમારી પાસે કોઈ જાતનું દ્રવ્ય નથી, પણ અમે નિર્ધન નથી. અમારે એવા દ્રવ્યની આવશ્યકતા પણ નથી. ઘરે ઘરે ભિક્ષા માંગીને એક દિવસમાં એક વાર પેટ ભરી લઈએ અને ક્યારેક એક-બે ઉપવાસ પણ કરી લઈએ. અમારા મનની વાત છે. રોજ પેટ ભરવું જરૂરી નથી. એમાંયે પણ આપણને જરૂરી લાગે તો આપીએ નહીં તો આવતી કાલનો વાયદો કરવો પડે, પણ અમારે આના કારણે કોઈ સમસ્યા નથી આવતી. સમસ્યાનું કારણ આપણાં પૂર્વનાં કર્મોના કારણે એવી સ્થિતિ સર્જાતી. એ કર્મોને દૂર કરવા માટે તપ કરવું પડે. તપથી આપણાં કર્મો દૂર થઈ જાય. આ રીતે જીવન ટૂંકાવવાથી તો કર્મો એવાં ને એવાં જ રહેવાનાં. એનાથી આપણો છુટકારો ન થાય અને છુટકારો ન થાય એટલે આ ભવના બાકી રહેલાં કર્મો આવતા ભવમાં પણ ભોગવવાં તો પડે જ.
એમની વાતો સાંભળીને મને શાતાનો અનુભવ થયો અને જીવનને નવી દિશા મળી, વિચારોને એક વિશિષ્ટ વળાંક મળ્યો. સરસ આરાધના કરી. વિચારોમાં સાત્ત્વિકતા ભળી, નવાં અશુભ કર્મો બંધાવાનાં બંધ થઈ ગયાં. શુભ કર્મો બંધાવા લાગ્યાં. પરિણામે મારા આત્માની પરિણતિમાં ઘણો સુધારો આવ્યો. ત્યાંથી મરીને હું યુગબાહુ તરીકે જન્મ્યો. ગયા ભવમાં મને જો આ મહાત્મા મળ્યા ન હોત તો અત્યારે હું ક્યાંય ભટકતો હોત. સંયમી જીવને મારામાં આટલો સુધારો કર્યો.
રાજા પણ યુગબાહુની વાત સાંભળીને પ્રસન્ન થઈ ગયો. કોઈ દેવી પોતાના પુત્રની આવી પરીક્ષા લે અને એમાં તે પાસ થઈને બહાર આવે ત્યારે એનાં માતા-પિતાને આનંદ થાય એ સ્વાભાવિક છે. રાજાએ એની `યુવરાજ’ તરીકે ઘોષણા કરી.
હવે એ યુવરાજ યુગબાહુ તરીકે ઓળખાવા લાગ્યો. રાજ્યમાં અને રાજસભામાં રાજા પછીનું સ્થાન એનું નિયત થઈ ગયું છે. રાજ્યના લોકોના દરેક કામોમાં એનું ઈન્વોલ્વમેન્ટ હોય, પણ ક્યાંય પોતાનો અહંકાર વચ્ચે આવે નહીં.
સરસ રીતે પદ્ધતિસર રાજ્યની વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે. દરેક કાર્યોમાં પોતાનું નિરીક્ષણ હોય એટલે કોઈ પણ અધિકારી વર્ગ પણ પ્રજાનું શોષણ કરી ન શકે એનું એ ધ્યાન રાખતો.
એક વાર એ જંગલમાંથી પસાર થતો હતો ત્યારે કોઈ એક સ્ત્રીનો આક્રંદ કરતો પોકાર સાંભળવામાં આવ્યો. `બચાવો બચાવો….’
યુગબાહુ અવાજની દિશામાં દોડી ગયો. એક સ્ત્રી ઉપર કોઈ એક પુરુષ બળાત્કાર કરવાની કોશિશ કરતો હતો અને સ્ત્રી આક્રંદ કરતી હતી. યુગબાહુએ પેલા પુરુષની સાથે યુદ્ધ કરીને મારી ભગાડ્યો. એટલામાં એ સ્ત્રીના પરિવારજનો ત્યાં આવ્યા. એણે કહ્યું આ વીર પુરુષે મને બચાવી છે. આજે એ ન હોત તો મારી સુરક્ષા થઈ શકત નહીં. કુમારે કહ્યું કોઈની પણ સહાય કરવાની મારી ફરજ છે. આમાં મેં કંઈ પણ નવું કર્યું નથી.
યુવતી વિચારે છે કુમાર યોગ્ય પાત્ર છે, પણ મારા ચાર પ્રશ્નોના જવાબ આપે એની સાથે મારે લગ્ન કરવાં. એ ચાર પ્રશ્નો પૂછે છે, કળાવાન કોણ છે? સદ્બુદ્ધિ કોણ છે? સૌભાગ્યશાળી કોણ છે? વિશ્વવિજેતા કોણ છે? સામાન્ય લાગતા આ પ્રશ્નોનો જવાબ સામેના માણસની માનસિકતા પ્રગટ કરી દેતા હોય છે.
યુવરાજ કુમારે જવાબ આપ્યો, જેની રુચિ સતત સારાં કામો કરવાની છે એ કળાવાન છે. જે માણસ સતત કોઈ પણ દુ:ખીનાં દુઃખ દૂર કરવા તત્પર છે તે સદ્બુદ્ધિ છે. સત્ય અને શુભ બોલનાર સૌભાગ્યશાળી છે અને ક્રોધ ઉપર જેણે વિજય મેળવેલો છે એ વિશ્વવિજેતા છે. પેલી યુવતીને એના જવાબોથી સંતોષ થયો. બંનેનાં લગ્ન થયાં. એ રાજા બન્યો. એને એક રત્નબાહુ નામનો પુત્ર થયો. યોગ્ય વયનો થતાં રાજ્ય એને સોંપીને એણે દીક્ષા લીધી. આરાધના અને સાધના કરતાં કરતાં કર્મો ખપાવીને કેવલજ્ઞાન મેળવ્યું. જગતના જીવોને બોધ આપતાં આયુષ્ય પૂર્ણ કરીને એ મોક્ષે ગયા.
ઈનશોર્ટ જીવન બધાને મળે છે. સમય પાસ તો બધા કરતા હોય છે, પણ કેવી રીતે પસાર કરે છે એ મહત્ત્વનું હોય છે. કોઈને સહાયક બનીએ છીએ કે કોઈની સહાય લઈએ છીએ? આપણા મહત્ત્વનો વિચાર કરીએ.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


