હાઇકોર્ટમાં રીટ દાખલ થતા 3૧ જાન્યુઆરી સુધી પરિપત્રની અમલવારી મુલતવી
રાજકોટ સહિત રાજયની તમામ અદાતોમાં એ-ફોર સાઇઝના કાગળનો ઉપયોગ કરવાનો પરિપત્ર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ તેના પર 3૧ જાન્યુઆરી સુધી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જ સ્ટે મૂકવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા વકીલોએ રાજ્યની ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી સમક્ષ રજૂ થતા વકીલાતપત્ર, પિટિશન,એફિડેવિટ, પ્લીડિંગ વિગેરેમાં A4 સાઈઝના પેપરનો ઉપયોગ કરવો તેમજ પેપરની બંને બાજુએ પ્રિન્ટ કરવું તે મતલબનો પરિપત્ર જાહેર કરેલ હતો. તે પરિપત્રની અમલવારી સંદર્ભે વકીલોમાં વિરોધ થતા હાઇકોર્ટમાં રજૂઆત કરતા આ પરિપત્રની અમલવારી 31 જાન્યુઆરી 2026 સુધી મુલતવી રાખવા અંગે રજીસ્ટર જનરલ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા નવો આદેશ જારી કરવામાં આવેલ છે.
પેપરની વિગત એ 4 સાઇઝ (29.7 સે.મી બાય 21 સે.મી), કવોલિટી ઓછામાં ઓછું 75 જીએસએમ પ્રકારની હોવી જોઇશે, બંને બાજુ પ્રિન્ટિંગ શક્ય રહેશે, ગુજરાતી ફોન્ટ (યુનિકોડ જ માત્ર), ફોન્ટ સાઇઝ 16, ઇંગ્લિશ ફોન્ટ (ટીએનઆર-ટાઇમ્સ ન્યુ રોમન), ઇંગ્લીશ ફોન્ટ સાઇઝ 14, લાઇન સ્પેસિંગ 1.5 (કવોટેશન અને ઇન્ડેન્ટ મેટર માટે), તેમાં ફોન્ટ સાઇઝ 12 અને લાઇન સ્પેસિંગ સિંગલ રાખવાની રહેશે. ઉપરાંત ડાબે-જમણે ચાર સીએમનું અને ઉપર નીચે 2 સે.મીનું માર્જિન રાખવાનું રહેશે. ગુજરાત રાજયની તમામ જિલ્લા અદાલતોમાં એ-4 સાઇઝના પેપર સહિતની ઉપરોકત નિયમો અને નિર્દેશોની 1 જાન્યુઆરી, 2026થી અમલવારી કરવાની રહેશે.
નોંધનીય છે કે, નીચલી અદાલતોમાં અત્યાર સુધી લીગલ સાઇઝ, એ-4 સાઇઝ સિવાયની મોટી સાઇઝમાં પણ ફાઇલિંગ થતુ હતુ. પિટિશનની મુખ્ય કોપી લેજર પેપર પર થતી હતી. કોઇપણ અરજી કે, ફરિયાદ તથા સોગંદનામા કોઇપણ સાઇઝમાં ફાઇલ થઈ શકતા હતા. જો કે, હવે હાઇકોર્ટના પરિપત્રના કારણે એ-4 સાઇઝ પેપર, ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની તમામ બાબતોમાં ચોકસાઇ, બારીકાઇ અને એકસમાનતા જળવવા આ ઓર્ડર કર્યો હતો.


