નાંદરખીમાં વોટસએપ ગ્રુપના મેસેજનું મનદુ:ખ રાખી જૂથ અથડામણ : 3 ઘાયલ
એક પક્ષ બીજા પક્ષ પર લાકડી, લોખંડના પાઇપ વડે તુટી પડયો
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલના નાંદરખી ગામે નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ગામના એક વોટ્સએપ ગ્રૂપમાં કરવામાં આવેલા મેસેજનું મનદુઃખ રાખીને એક પક્ષે બીજા પક્ષ પર લાકડી, લોખંડના પાઇપ અને હંટર જેવા હથિયારો વડે તૂટી પડ્યા હતા.
આ હુમલામાં મહિલા સહિત ત્રણથી વધુ વ્યક્તિઓ લોહીલુહાણ થઈ હતી, જેમને સારવાર અર્થે માંગરોળ અને ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મારામારીનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી વસીમખાન શરવરખાન બેલીમના બનેવી અબ્દુલખાએ ગામના એક વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ મૂક્યો હતો. આ મેસેજ આરોપીઓને ગમ્યો ન હતો અને તેનું મનદુઃખ રાખીને નાજીમખાન હુશેનખા અને હનીફખા કાસમખાએ વસીમખાનને જાહેર રસ્તા પર રોકી ભુંડી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આરોપીઓ હથિયારો સાથે તૂટી પડ્યા હતા.
હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આરોપી નાજીમખાને લાકડી વડે અને હનીફખાએ લોખંડના પાઇપ વડે વસીમખાનને આડેધડ માર માર્યો હતો. જ્યારે વસીમખાનને બચાવવા તેના બનેવી અબ્દુલખા અને સાહેદ બીવીબેન વચ્ચે પડ્યા ત્યારે આરોપી રફીકખાને હંટર (ચામડાનો પટ્ટો) વડે માર માર્યો હતો.
આરોપી હનીફખાએ મહિલા (બીવીબેન) પર લોખંડના પાઇપથી હુમલો કરતા તેમને હાથમાં ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી છે. કારેજ ગામના અયુબખાન અનવરખાન બેલીમે પણ આ હુમલામાં મદદગારી કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો આ ઘટનાની જાણ થતા જ શીલ પોલીસનો કાફલો નાંદરખી ગામે દોડી ગયો હતો. હુમલા બાદ ગામમાં તંગદિલી સર્જાઈ હતી અને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પોલીસે વસીમખાનની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 115(2), 118(1), 117(2), 296(બી), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ નાંદરખી ગામમાં જ્યારે આ લોહિયાળ ખેલ ખેલાઈ રહ્યો હતો, ત્યારે કોઈ સ્થાનિકે આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયોમાં આરોપીઓ પાઇપ અને લાકડીઓ ઉલાળી રહ્યા છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ વાયરલ વીડિયો હવે પોલીસ માટે મહત્વનો પુરાવો સાબિત થશે. હાલ પોલીસ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.


