ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
શ્રી કેશુભાઈ ગોટી સમગ્ર દેશના અંતરિયાળ, પહાડી, દુર્ગમ, અભાવગ્રસ્ત વિસ્તારમાં અભિયાન ચલાવી રહ્યા છે; તેનાં અનેક ફળદાયી પરિણામો પ્રાપ્ત થયાં છે. સરસ્વતીધામ નિર્માણ અભિયાનનાં કાર્યોથી પ્રભાવિત થઈને ઘણા લોકોએ નકસલ પ્રવૃત્તિ છોડી દીધી હોય તેવા બનાવો બન્યા છે. ભારતીય સંસ્કૃતિના જતનને વેગ મળ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં ગરીબ લોકોના ઉત્થાનની પ્રવૃત્તિ થઈ રહી છે.
સરસ્વતીધામના નિર્માણનો 50% ખર્ચ માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે અને 50 % ખર્ચ સહયોગી દાતા આપે છે. આમ, સંયુક્ત રીતે નિર્માણ પામનાર સરસ્વતીધામનું નામકરણ સહયોગી દાતા જે આપે તે કરવામાં આવશે. 50% ખર્ચ આપવા છતાં શ્રી કેશુભાઈનું કે ટ્રસ્ટનું ક્યાંય નામ નહીં !
અનેક સામાજિક સંસ્થાઓએ વિવિધ સ્નેહમિલન સમારોહોમાં ભાવપૂર્વક સન્માન કર્યું છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે ‘યુવા સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ એનાયત કરવામાં આવેલ છે. વિશ્વ વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ‘સાંદીપનિ રાજર્ષિ ઍવૉર્ડ’થી ભાવપૂજન કર્યું હતું.
………………………………..
ભારત દેશમાં સેવાકીય કાર્યો કરનાર અનેક મહાનુભાવો થઈ ગયા અને હાલમાં પણ છે, પણ શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર શ્રી કેશુભાઈ ગોટીનું કાર્ય સૌથી નિરાળું છે. જ્યાં કોઈની મદદ ન પહોંચી હોય તેવા દુર્ગમ, પહાડી, સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં ‘સરસ્વતીધામ’નું નિર્માણ કરનાર તરીકે શ્રી કેશુભાઈ ગોટીનું નામ લોકહૈયે ગૂંજી રહ્યું છે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, નાગાલેન્ડ, ઓરિસ્સા, આસામ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, મણિપુર, મિઝોરમ વગેરે અઢાર જેટલાં રાજ્યોમાં તેઓ શિક્ષણયજ્ઞ ચલાવી રહ્યા છે.
હાલમાં મુખ્ય ચાર પ્રકલ્પોમાં કાર્ય થઈ રહ્યું છે : (1) ‘351 સરસ્વતીધામ’ નિર્માણ અભિયાન, (2) વૈચારિક ક્રાંતિ અભિયાન, (3) શિક્ષા સાથી અભિયાન અને (4) કુપોષણ મુક્તિ અભિયાન.
ભારતભરમાં ‘351 સરસ્વતીધામ’નું નિર્માણ કરવાનો તેમણે શુભ સંકલ્પ કર્યો છે. 246 સરસ્વતીધામનું લોકાર્પણ થઈ ગયું છે. 48 સંસ્થાઓનું નિર્માણકાર્ય શરૂ છે. ગુજરાત :190, આસામ : 20, ઝારખંડ : 13, મધ્યપ્રદેશ : 12, ઓરિસ્સા : 7, બિહાર : 7, ઉત્તરાખંડ : 6, ત્રિપુરા : 5, નાગાલેન્ડ : 4, અરુણાચલપ્રદેશ : 4, પશ્ચિમ બંગાળ : 4, ઉત્તરપ્રદેશ : 4, મણિપુર : 3, છત્તીસગઢ : 3, રાજસ્થાન : 3, મહારાષ્ટ્ર : 3, મેઘાલય : 2 અને મિઝોરમ : 1. આમ, અઢાર રાજ્યોનાં 292 અંતરિયાળ ગામો સુધી આ શિક્ષણયજ્ઞ પહોંચ્યો છે.
આગામી સમયમાં અન્ય સંસ્થાઓની પસંદગી કરવામાં આવશે. આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, તેના મૂળમાં શ્રી કેશુભાઈનો ઉમદા વિચાર છે. કોઈને સ્વપ્નેય વિચાર ન આવે તેવો વિચાર તેઓ સાર્થક કરી રહ્યા છે. આ સરસ્વતીધામના નિર્માણમાં વધારેમાં વધારે લોકો સહભાગી થાય અને પુણ્યકાર્યમાં જોડાય તે માટે એમણે એક વિચાર રજૂ કર્યો : સરસ્વતીધામના નિર્માણમાં જેટલો ખર્ચ થશે તેનો 50% ખર્ચ માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે અને 50 % ખર્ચ સહયોગી દાતાએ આપવાનો રહેશે. આમ, સંયુક્ત રીતે નિર્માણ પામનાર સરસ્વતીધામનું નામકરણ સહયોગી દાતા જે આપે તે કરવામાં આવશે. 50% ખર્ચ આપવા છતાં ‘પોતાનું નામ ક્યાંય નહીં!’ આવા ઉમદા વિચારક શ્રી કેશુભાઈને લાખ લાખ વંદન. શ્રી કેશુભાઈના ઉમદા અને નિ:સ્વાર્થ વિચારને કારણે અત્યાર સુધીમાં 325 સરસ્વતીધામના સહયોગી દાતાશ્રીઓનાં નામ નોંધાઈ ચૂક્યા છે ! આવું પરમાર્થનું કાર્ય હોય ત્યારે બાકીનાં નામ પણ નોંધાઈ જ જશે એવો દૃઢ વિશ્વાસ છે. સમગ્ર અભિયાનમાં શ્રી કેશુભાઈ કરોડો રૂપિયાનું માતબર દાન કરી રહ્યા છે.
‘વૈચારિક ક્રાંતિ અભિયાન’ અંતર્ગત શિક્ષકોને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જાગે, તેનું જીવનઘડતર થાય તે માટે ‘વૈચારિક ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન’ પરિસંવાદનું વિવિધ શાળાઓમાં નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 108 થી વધારે પરિસંવાદ યોજાયા છે, તેમાં 45,000થી વધારે વિદ્યાર્થીઓ અને 8,000થી વધારે શિક્ષકો સહભાગી થયા છે. પરિસંવાદોનું કારણે ગુણાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ સાચા અર્થમાં કેળવણી પામે એ મૂળ ઉદ્દેશ્ય રહેલો છે. આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ.
કર્મયોગીઓના પુરુષાર્થમાંથી અર્જિત થયેલી સંપત્તિમાંથી ‘શિક્ષા સાથી અભિયાન’ અંતર્ગત ભોજનાલય, પ્રાર્થનાખંડ, મકાન રિપેરિંગ, ટોયલેટ-બાથરૂમ, અન્ય શૈક્ષણિક સામગ્રી સહાય વગેરે 111થી વધારે જગ્યાએ પૂરી પાડવામાં આવી છે, તેની રકમ પણ કરોડો રૂપિયામાં છે.
‘કુપોષણ મુક્તિ અભિયાન’ અંતર્ગત વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન મળે તે માટે કરેલા પ્રયાસોમાં સંચાલકશ્રીઓના સહયોગથી 40,000થી વધારે વિદ્યાર્થીઓને સવારે પૌષ્ટિક નાસ્તો મળતો થયો છે.
ભારતભરમાં સરસ્વતીધામનાં નિર્માણનું ભગીરથકાર્ય અવિરતપણે થઈ રહ્યું છે, તેની ખુશાલી અને આભારની લાગણી વ્યક્ત કરતાં શ્રી કેશુભાઈએ જણાવ્યું હતું કે, “મારો સંકલ્પ તો માત્ર નવ સરસ્વતીધામ નિર્માણનો હતો; આ વિરાટ કાર્ય થઈ રહ્યું છે તેનો યશ તો સહયોગી દાતા, કર્મયોગીઓ અને સમાજને ફાળે જાય છે. એક સરસ્વતીધામથી લઈને પંદર-પંદર સરસ્વતીધામના સહયોગી દાતા તરીકે પોતાનું આર્થિક યોગદાન આપનાર સૌ અભિનંદનના અધિકારી છે. વિશેષ ખુશીની વાત એ છે કે, સૌ સહયોગી દાતાઓ સામે ચાલીને, ઉદારદિલે પોતાનું યોગદાન આપી રહ્યા છે.
કર્મયોગી પરિવારમાં ચાળીસથી વધારે સભ્યો જોડાયેલા છે, તેઓ પાંચ ટીમમાં ભારતભરમાં આ સત્કાર્ય કરી રહ્યા છે. આ કર્મયોગીઓ સ્થળ પસંદગી, મટીરિયલની ખરીદીથી લઈને સંપૂર્ણ બાંધકામ પૂરું થાય ત્યાં સુધીની તમામ કામગીરી ટીમ વર્કથી સંભાળે છે. આથી સામાન્ય રીતે એક કરોડથી વધારે ખર્ચમાં નિર્માણ પામતાં ભવનો અમે 70-80 લાખ રૂપિયા નિર્માણ કરી શકીએ છીએ. કર્મયોગીઓનો પણ જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં સરસ્વતીધામનું નિર્માણ થતું હોય ત્યારે સુરતથી 2,000-3,000 કિલોમીટર જેટલા દૂર વિસ્તારોમાં જવાથી પંદર-વીસ દિવસ સુધી પણ ઘરથી દૂર રહેવું પડે છે. આ કર્મયોગીઓ માન-સન્માન કે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના, રાત-દિવસ કે ઊંઘ-ઉજાગરાની પરવા કર્યા વિના પૂરેપૂરા સમર્પિતભાવથી સેવા આપી રહ્યા છે.
ગુજરાત બહારના આદિવાસી દુર્ગમ અને પહાડી રાજ્યોમાં કામ કરવાનો અનુભવ એવો પણ છે કે, આ વિસ્તારોમાં સનાતન સંસ્કૃતિનું ધોવાણ થઈ રહ્યું છે. આ બાબતને નજર સમક્ષ રાખીને ભવનોનાં લોકાર્પણ સમયે સંદેશ આપીએ છીએ કે, આપણે સૌ ભારતીય છીએ. આપ સૌ અમારાં ભાઈઓ-બહેનો છે. આપણા સૌના સહકાર અને વિકાસ થકી જ રાષ્ટ્રનો સાચો વિકાસ થશે. આથી આ કાર્ય માટે રાત-દિવસ જોયા વિના કાર્યો કરીએ છીએ. આ રીતે સંસ્કૃતિ સંરક્ષણનો નમ્ર પ્રયાસ કરીએ છીએ.
અમારાં આ કાર્યનાં ચાલક બળનું શ્રેય સમાજ ફાળે જાય છે. સમાજે પણ અમારાં કાર્યને ખૂબ બિરદાવ્યું છે, તેથી અમને ક્યારેય થાક અનુભવાયો નથી. તેઓ હરહમેશ અમને પ્રોત્સાહિત કરીને અમારો ઉત્સાહ વધારી રહ્યા છે.”
શ્રી કેશુભાઈના આ ઉદ્ગારમાં તેમની પ્રસન્નતા, નમ્રતા અને ઉદારતાનાં દર્શન થાય છે.
સરસ્વતીધામનાં નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણનું અને સંસ્કૃતિના સંરક્ષણનું કાર્ય થઈ રહ્યું છે. આ અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “જ્યાં જ્યાં સરસ્વતીધામનું નિર્માણ કરવામાં આવ્યું છે; ત્યાંના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકશ્રીઓ પણ આત્મીયતાની લાગણીથી જોડાઈ ગયા છે. શિક્ષકો અને સંચાલકશ્રીઓ પણ ખૂબ ઉત્સાહ અને ખંતથી પોતાનું કાર્ય કરી રહ્યાં છે.
સરસ્વતીધામના સ્થળની પસંદગી બાબતે એમણે જણાવ્યું હતું એક, “જે વિસ્તારમાં અન્ય કોઈ સંસ્થા કે લોકો દ્વારા સહયોગ ન મળતો હોય તેવી, ખૂબ અંતરિયાળ વિસ્તારની શાળાની પસંદગી કરવામાં આવે છે.”
શ્રી સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ, પ્રયોશા પ્રતિષ્ઠાન, સ્વામી નિર્દોષાનંદજી હૉસ્પિટલ – ટીંબી, સરદારધામ વગેરે શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી વગેરે વિવિધ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓનું સહર્ષ વહન કરનાર શ્રી કેશુભાઈનું જીવન નિરાળું છે. તેમનું જીવન અને વિચારો યુવાનો માટે પ્રેરણાદાયી છે. એમના વિશે બધું લખીએ તો દળદાર પુસ્તક રચી શકાય, પરંતુ અહીં આછેરો પરિચય મેળવીશું.
ગરીબીને કારણે માત્ર ત્રણ ધોરણ સુધીનો જ અભ્યાસ કરી શકનાર શ્રી કેશુભાઈ ઉત્તમ વિચારક છે. તેઓ ભણ્યા ભલે ઓછું, પણ ગણ્યા ખૂબ છે. પોતે વધારે અભ્યાસ ન કરી શક્યા તેનો અફસોસ કરીને બેસી રહેવાને બદલે સ્વામી વિવેકાનંદ, વિનોબા ભાવે, કબીર, ઓશો, વગેરે અનેક મહાનુભાવોને ખૂબ વાંચી, વિચારીને ઉત્તમ વિચારક બન્યા છે. એમની ખાસ વિશેષતા એ છે કે, તેઓ માત્ર વાંચેલું કે સાંભળેલું માનતા નથી. પોતે દરેક ઘટના અને વિચારને પોતાની વિવેકદૃષ્ટિની એરણ દ્વારા તપાસે છે. પોતાને જે અનુભવાય તેનો તેઓ સ્વીકાર કરે છે. હાલમાં ધર્મ વિશે એમની સ્વતંત્ર વિચારધારા છે. તેઓ કહે છે : “ધર્મ વિશે અનેક મતમતાંતરો છે. આ બધી જ ગૂંચમાંથી હું મુક્ત થઈ શક્યો છું, તેનો મને અનેરો આનંદ છે.”
શ્રી કેશુભાઈના જીવનમાં અનેક બદલાવો આવ્યા છે. ચમત્કારમાં ન માનનાર શ્રી કેશુભાઈના જીવનમાં અનેક ચમત્કૃતિ જોવા મળે છે. પરિવારમાં ધાર્મિકતાનું વાતાવરણ હોવાથી બાળપણમાં સંત બનવા માટે મંદિરે જાય છે. થોડો સમય ત્યાં પાર્ષદ તરીકે રહે છે, પણ મન માનતું નથી; આથી ઘરે આવીને ખેતીના કામમાં લાગી જાય છે.
હીરા ઉદ્યોગમાં સંકળાયેલા લોકો દિવાળીની રજાઓમાં ગામડે આવે ત્યારે તેનો વટ પડતો હતો. તેનો રૂઆબ જોઈને શ્રી કેશુભાઈને પણ હીરા ઘસવાની ઇચ્છા થઈ. સંબંધીઓના સાથ-સહકારથી તેઓ મુંબઈ ગયા અને ત્યાં હીરા ઘસવાનું કામ શીખ્યા. થોડા સમય પછી સુરત આવીને બે મિત્રોની સાથે મળીને હીરાનું કારખાનું ઈ.સ. 1978માં શરૂ કર્યું. કારખાનું સરસ ચાલતું હતું, આવક સારી થતી હતી, વેવિશાળ થઈ ગયું હતું, માગશર મહિનામાં લગ્ન થવાના હતા. આ સમયે ફરી તેના હૃદયમાં સંયમ અને વૈરાગ્યના વિચારબીજ પ્રગટે છે અને દિવાળી પહેલાં સંત બનવા વડતાલ પહોંચી જાય છે. (કુદરતની કળા પણ ન્યારી છે !)
બે વર્ષ જેટલો સમય ત્યાં તેઓ રહે છે. આ દરમિયાન તેઓ 105 કીર્તન, વીસેક વચનામૃત વગેરે કંઠસ્થ કરી લે છે. સંસ્કૃતનો એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરે છે. તેજસ્વી, સેવાભાવી અને પ્રજ્ઞાવાન પાર્ષદ તરીકે સૌનાં હૃદયમાં આદરભર્યું સ્થાન પામે છે. અનેક સંતો-હરિભક્તો તેમની સેવાભક્તિની ભારોભાર પ્રશંસા કરે છે. આત્મખોજના યાત્રી શ્રી કેશુભાઈ પ્રશંસાના પૂરમાં તણાયા વિના આત્મદર્શન (સ્વ-મૂલ્યાંકન) કરે છે. પોતે જ પોતાના ગુરુ બનીને પોતાને માર્ગદર્શિત કરીને પોતાની જાતને કહે છે : “લોકો મારા બાહ્ય ગુણોને જોઈને ભલે મારા વખાણ કરે, પણ મારું મન હવે સાંસારિક માર્ગે જઈ રહ્યું છે.” પોતાની મનોદશાને પારખીને સંસારમાં પાછા ફરવાનો નિર્ધાર કર્યો. આ નિર્ણય કપરો અને અનેક મુશ્કેલીઓ ખડી કરનારો હતો, પણ તેઓ મુશ્કેલીઓ સામે હાર માનનારા નહીં; પરંતુ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરનારા છે.
સંસારમાં પાછા ફરીને આત્મવિશ્વાસ સાથે હીરામાં કાર્ય શરૂ કર્યું. દીર્ઘદૃષ્ટિ, સખત મહેનત અને કાર્યકુશળતાને પરિણામે થોડા સમયમાં ખૂબ સારી સફળતા મેળવી. હાલમાં તેઓ હીરામાં ‘ગ્લો સ્ટાર’ કંપની ચલાવે છે, જેમાં 500થી વધારે લોકોને રોજગારી આપી રહ્યા છે.
તેઓ પોતાના નાનામાં નાના દોષને પારખીને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ કહે છે : “ઉતાવળ અને ઉગ્ર સ્વભાવ મારી નબળાઈ છે. તેને દૂર કરવા મેં પ્રયત્નો કર્યા છે અને હાલમાં પણ કરી રહ્યો છું, પણ હજી તેને દૂર કરી શક્યો નથી.”
શ્રી કેશુભાઈએ પોતાના જીવનનો અભ્યાસ કરતાં કરતાં સોનેરી સૂત્રો તારવ્યા છે, તે આ પ્રમાણે છે : માત્ર મનગમતાં કાર્યો કરીને જીવનમાં ક્યારેય સફળતા કે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય નહીં. કોઈના પ્રભાવમાં આવવું નહીં, કોઈનો અભાવ પણ રાખવો નહીં. વ્યક્તિગત વિચારો અને સામાજિક જીવનશૈલીમાં તફાવત હોય છે. આ બંનેની સમજ કેળવ્યા વિના સમાજમાં સુખેથી જીવી શકાય નહીં. લોકોને વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાની ખૂબ જરૂર છે, શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા જ આ શક્ય બનશે. પરાવલંબી પ્રજા ક્યારેય આત્મગૌરવપૂર્વક જીવી શકે નહીં. મફતનું લેવાની વૃત્તિ રાખનાર પ્રજા ક્યારેય મહાન બની શકે નહીં. સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ કરતાં પણ કેળવણીની ખૂબ જરૂર છે.
તેઓ આત્મદર્શનને જીવનનું સૌથી મહત્ત્વનું કાર્ય ગણે છે. તેઓ કહે છે, “આપણે એક-બે દિવસના પ્રવાસ માટે પણ ઘણી તૈયારી કરીએ છીએ; તો આપણા જીવનનો સૌથી મોટો પ્રવાસ અને જીવનનું અંતિમ પર્વ એટલે મૃત્યુ. એક જાગૃત વ્યક્તિ તરીકે આપણે મૃત્યુની પણ તૈયારી કરવી જોઈએ. મૃત્યુ સમયે આપણી શારીરિક અને માનસિક સ્થિતિ કેવી થતી હશે, તે જાણવા-અનુભવવા માટે હું થોડો સમય ફાળવતો હતો; પણ હમણાં સરસ્વતીધામનાં નિર્માણ કાર્યને કારણે થોડો ઓછો સમય આપી શકું છું.”
વિનોબા ભાવેએ વર્ષો પહેલાં ભૂદાનયજ્ઞ ચલાવ્યો હતો, વિનોબા ભાવેના સર્વોદયી વિચારોમાંથી પ્રેરણા લઈને શ્રી કેશુભાઈ ગોટી ‘સરસ્વતીધામ નિર્માણ – ભવનયજ્ઞ’ ચલાવી રહ્યા છે. માત્ર કોઈ એક રાજ્યમાં નહીં; પણ સમગ્ર દેશના અંતરિયાળ, પહાડી, દુર્ગમ, અભાવગ્રસ્ત વિસ્તારમાં અભિયાન ચલાવી રહ્યા છે; તેનાં અનેક ફળદાયી પરિણામો પ્રાપ્ત થયાં છે. સરસ્વતીધામ નિર્માણ અભિયાનનાં કાર્યોથી પ્રભાવિત થઈને ઘણા લોકોએ નકસલ પ્રવૃત્તિ છોડી દીધી હોય તેવા બનાવો બન્યા છે. ભારતીય સંસ્કૃતિના જતનને વેગ મળ્યો છે. અંતરિયાળ વિસ્તારના ગરીબ લોકોના ઉત્થાનની પ્રવૃત્તિ થઈ રહી છે.
શિક્ષણ ક્ષેત્રે આવું ભગીરથ કાર્ય કોઈ દ્વારા કરવામાં આવતું હોય એવું હજી સુધી મારી જાણમાં નથી. શ્રી કેશુભાઈનાં ઉમદા કાર્યોની નોંધ લઈને અનેક સામાજિક સંસ્થાઓએ વિવિધ સ્નેહમિલન સમારોહોમાં ભાવપૂર્વક સન્માન કર્યું છે. તા. 22-12-2024ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે ‘યુવા સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ એનાયત કરવામાં આવેલ છે. વસંતપંચમીના પાવન પર્વે (તા.02-02-2025) વિશ્વ વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ‘સાંદીપનિ રાજર્ષિ ઍવૉર્ડ’થી ભાવપૂજન કર્યું હતું. હાલમાં રાષ્ટ્રને ઉત્તમ શિક્ષણની જરૂર છે, ત્યારે શિક્ષણ માટે સમર્પિત શ્રી કેશુભાઈનાં અજોડ કાર્યોને બિરદાવવા મો.નં. 9825153677 પર અભિનંદન પાઠવી શકો છો.
શબ્દસિંધુ
શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે તે અત્યંત જરૂરી છે.


