મોભી અને આધારસ્તંભ છિનવાતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો
અગ્ર ગુજરાત, અમદાવાદ
ખેડા-અમદાવાદ હાઈવે પર એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો છે. વડાલા પાટિયા પાસે આવેલ ગેસ પ્લાન્ટ નજીક ટ્રક ચાલકે બાઈક સવાર પિતા-પુત્રોને અડફેટે લેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ આણંદ જિલ્લાના તારાપુરના વતની અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા શાહ પરિવારના ત્રણ સભ્યો અમદાવાદથી ખેડાના લીંબાસી ગામે પોતાની કપડાંની દુકાને જઈ રહ્યા હતા. નવલભાઈ મણીભાઈ શાહ અને તેમના બે પુત્રો જય નવલભાઈ શાહ તથા જીગ્નેશ નવલભાઈ શાહ એક જ બાઈક પર સવાર હતા. વડાલા ગેસ પ્લાન્ટ પાસે ટ્રક ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભીષણ હતો કે, જય નવલભાઈ શાહનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પિતા નવલભાઈ અને બીજા પુત્ર જીગ્નેશભાઈને તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ બંનેએ દમ તોડી દીધો હતો. આમ, એક જ અકસ્માતમાં પિતા અને બે યુવાન પુત્રોના મોત થતા શાહ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને ખેડા ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વડાલા ગેસ પ્લાન્ટ પાસેનો આ વિસ્તાર અકસ્માતોનું હબ બની રહ્યો હોય તેમ જણાય છે. ખેડા ટાઉન પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ કરી છે.


