અમરેલી જીલ્લા વાળંદ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ જોટંગીયાની પુણ્યતિથિઅ વર્ષભર ચાલ્યા સેવાકાર્યો
જરૂરિયાતમંદોને અનાજ, દર્દીઓને ફ્રૂટ, અંધશાળામાં ભોજન-વાસણ અને ૭૦૦થી વધુ વૃક્ષોનું વિતરણ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જીલ્લા વાળંદ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ અને સામાજિક અગ્રણી પરમ પૂજ્ય પરમધામવાસી પ્રવિણભાઈ લલ્લુભાઈ જોટંગીયાના નિધન બાદ તેમના કાર્યોને જીવંત રાખવા જોટંગીયા પરિવારે એક પ્રેરણાદાયી ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. વિતેલા એક વર્ષ દરમિયાન દર મહિનાની ૧૩ તારીખે જુદા જુદા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત માનવ સેવા અને જીવદયાના કાર્યો કરીને શોકને સેવામાં પરિવર્તિત કરવાનું પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પ્રવિણભાઇ જોટંગીયાની પ્રથમ પાંચ માસિક પુણ્યતિથિ નિમિત્તે શિયાળાની ઋતુમાં જરૂરિયાતમંદોને ધાબળા, પર્યાવરણ શુદ્ધિ માટે બિલીના વૃક્ષો અને ચકલીના માળા વહેંચવામાં આવ્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ, ગાયો-શ્વાનોને લાડુ તેમજ બાળકોને બુક, પેન, રમકડાં અને તહેવારો નિમિત્તે પતંગ-દોરા અને હોળીના રંગોનું વિતરણ કરાયું હતું. કન્યાશાળાની બાળાઓ અને ગૌશાળાના સ્ટાફને આઈસ્ક્રીમ તેમજ ચંપલ અર્પણ કરી, કાળભૈરવ દાદા, કેસરીનંદન હનુમાનજી અને શીતળા માતા મંદિરોના જીર્ણોદ્ધારમાં આર્થિક લાભ લેવાયો હતો. ગત ૫ એપ્રિલ ૨૦૨૬ ના રોજ પ્રવિણબાપાના ૭૨મા અવતરણ દિવસ નિમિત્તે રાજુલા પાસે આવેલી થોરડી અંધ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ચંપલ અને રસોડા માટે ઉપયોગી સ્ટીલના વાસણો ભેટ આપવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમ (ભક્તિરામબાપુ) ખાતે સાંજનું ભોજન, સુરતમાં જ્ઞાતિના તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ તેમજ ભાવનગર મુકામે વાળંદ કન્યા છાત્રાલય અને વાળંદ વિદ્યાર્થી ગૃહમાં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. પર્યાવરણને બચાવવા અલગ અલગ સ્થળોએ ૭૨૦ વૃક્ષોનું વિતરણ કરી જાફરાબાદ શાળાને સાઉન્ડ સિસ્ટમ (એમ્પ્લીફાયર-માઇક) અર્પણ કર્યા હતા. જુલાઈ માસમાં અમદાવાદ, સાણંદ અને ચાંગોદર વિસ્તારમાં ભારે વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકો ઘરની બહાર નીકળી શકે તેમ ન હોવાથી જોટંગીયા પરિવારે પાણી ભરાયેલા વિસ્તારોમાં રૂબરૂ જઈને સેંકડો લોકોને ફૂડ પેકેટ્સ અને અન્ય જરૂરી મદદ પહોંચાડી હતી. પ્રવિણબાપાને શ્રાવણ માસ પ્રિય હોવાથી તેમની ૧૧મી તિથિએ તેમના જન્મસ્થળ સાજીયાવદર ગામના વાલકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભૂલકાઓ, બ્રાહ્મણો અને સાધુ-સંતો માટે ભોજન સમારોહ યોજાયો હતો. ૧૨ શિવાલયોમાં શ્રૃંગી ભેટ ધરાવાઈ હતી અને મહુવા પાસે પોપટભાઈ ફાઉન્ડેશન આશ્રમમાં ભોજન તથા સ્ટીલની થાળીઓ અર્પણ કરાઈ હતી. તેવી જ રીતે નવરાત્રી પ્રિય હોવાથી ૧૨મી તિથિએ પાટણવાવ અને રાજુલાના ગરબી મંડળોની બાળાઓને સ્ટીલની બોટલો, ઇનામો, નાસ્તો અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.


