ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ
શૈક્ષણિક વર્ષમાં ક્રમશ: બેઝલાઈન, મિડલાઈન અને એન્ડલાઈન સર્વે થશે: વિદ્યાર્થીના પરિણામોનું ધોરણસર અને વિષયવાર રાજ્યકક્ષાના ઓનલાઈન પોર્ટલ પર ટ્રેકિંગ કરાશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજ્યની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ‘નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનું પાયાનું શિક્ષણ વધુ મજબૂત કરવાના હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP 2020) ના અમલીકરણના ભાગરૂપે ચાલી રહેલા ‘નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યવ્યાપી ‘બેઝલાઇન સર્વે’ Baseline surveyહાથ ધરવામાં આવશે. આ સર્વેમાં રાજ્યની તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને ખાનગી પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ-5 સુધીના તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. મૂલ્યાંકનની પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિષયવાર તારીખો જાહેર કરવામાં આવી છે: 4 ઓગસ્ટ, 2026 (મંગળવાર): ગુજરાતી ભાષા અને 5 ઓગસ્ટ, 2026 (બુધવાર): ગણિત વિષયનો બેઝલાઇન સર્વે કરાશે.
આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની વર્તમાન શૈક્ષણિક સ્થિતિ, ખાસ કરીને પાયાની સાક્ષરતા (વંચન-લેખન) અને પાયાની ગણનક્ષમતાનું સચોટ મૂલ્યાંકન કરવાનો છે.
વિદ્યાર્થીઓની પ્રગતિ માત્ર એક વાર નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ચકાસવામાં આવશે. આ માટે શૈક્ષણિક વર્ષમાં ક્રમશઃ બેઝલાઇન સર્વે, મિડલાઇન સર્વે અને એન્ડલાઇન સર્વે યોજાશે. દરેક વિદ્યાર્થીના પરિણામોનું ધોરણવાર અને વિષયવાર રાજ્યકક્ષાના ઓનલાઈન પોર્ટલ પર ટ્રેકિંગ કરાશે. મૂલ્યાંકન પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજ્યની પસંદગીની શાળાઓમાં સ્વતંત્ર એજન્સી દ્વારા ‘થર્ડ પાર્ટી એસેસમેન્ટ’ કરાવવામાં આવશે.
જો કોઈ વિદ્યાર્થી સર્વેના દિવસે બીમારી કે અન્ય કારણોસર ગેરહાજર રહે, તો તે શાળાએ હાજર થાય ત્યારે તેનો સર્વે અલગથી પૂર્ણ કરવાની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તમામ શાળાઓના આચાર્યો, શિક્ષકો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને શિક્ષણપ્રેમીઓને આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને રાજ્યના બાળકોના પાયાના શિક્ષણને વધુ મજબૂત બનાવવામાં સહયોગ આપવા માટે આહ્વાન કર્યું છે.
સર્વેના પરિણામોના આધારે આયોજન કરાશે
- શૈક્ષણિક આયોજન: સમગ્ર શૈક્ષણિક વર્ષ-Academic year દરમિયાન બાળકોની જરૂરિયાત મુજબનું પ્લાનિંગ તૈયાર કરાશે.
- ઉપચારાત્મક શિક્ષણ: જે વિદ્યાર્થીઓ વાંચન, લેખન કે ગણિતમાં પાછળ જણાશે, તેમને ‘FLNગુજરાતી શિક્ષક માર્ગદર્શિકા’ ના આધારે ખાસ શૈક્ષણિક સામગ્રી આપીને અલગથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
સઘન મોનિટરિંગ અને વિશેષ જોગવાઈ
આ સર્વે પ્રક્રિયા સંપૂર્ણ નિષ્પક્ષ રહે તે માટે સમગ્ર શિક્ષા અને GCERT ના નિર્દેશ હેઠળ રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષણ અધિકારીઓ તેમજ BRC અને CRC કો-ઓર્ડિનેટર્સ શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈને મોનિટરિંગ કરશે.


