કરાર આધારિત કર્મચારી હવે જાહેર સેવક ગણાશે! ACBની સમસ્યા હળવી થઇ
લાંચના કેસમાં છટકવાના દરવાજા બંધ કરતી રાજય સરકાર : જિલ્લા સ્તરે જ મળશે પ્રોસિકયુશનની મંજૂરી
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લાંચખોરીના દૂષણને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કરાર આધારિત કર્મચારીઓ દ્વારા લાંચ લેવાના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને વિભાગે એક કડક લેખિત આદેશ જાહેર કર્યો છે.
આ નવી કાયદાકીય વ્યાખ્યા અનુસાર, હવેથી તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ પણ કાયદાની નજરમાં ‘જાહેર સેવક’ ગણાશે.
અત્યાર સુધી એન્ટી કરપ્શન બ્યુરો ના છટકામાં જ્યારે કોઈ આઉટસોર્સિંગ કર્મચારી લાંચ લેતા ઝડપાતો, ત્યારે કાનૂની છટકબારીઓનો લાભ લઈને તેઓ બચી જતા હતા અથવા તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં અનેક મુશ્કેલીઓ નડતી હતી. હવે આ નવી વ્યાખ્યા અમલમાં આવતાની સાથે જ આવા તમામ કર્મચારીઓ સીધા એન્ટી કરપ્શન એક્ટના દાયરામાં આવી જશે. જેના કારણે ભ્રષ્ટ કર્મચારીઓ સામે શિકંજો કસવો પોલીસ અને તંત્ર માટે વધુ સરળ બનશે.
સામાન્ય રીતે લાંચના કેસોમાં પકડાયેલા કર્મચારીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવા માટે પ્રોસિક્યુશન સરકારી મંજૂરી મેળવવામાં ઘણો લાંબો સમય નીકળી જતો હતો, જેના કારણે ગુનેગારોને ફાયદો થતો હતો. પરંતુ સરકારે હવે આ વિલંબનો કાયમી અંત આણી દીધો છે. નવી વ્યવસ્થા હેઠળ હવે જિલ્લા સ્તરે જ તાત્કાલિક પ્રોસિક્યુશનની મંજૂરી આપવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
આ નિર્ણયથી કાનૂની છટકબારીઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે, જેથી કેસોનો ઝડપી નિકાલ આવશે અને સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટશે. મહેસૂલ વિભાગના આ આકરા વલણથી લાંચિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


