બાળકમાં સીવીક સેન્સ વિકસાવીએ
સીવીક સેન્સ એટલેકે નાગરિક સભ્યતા, નાગરિક ભાવના.. એ બાળકમાં કઈ રીતે વિકસાવશો? આમ બહોળા અર્થમાં સમજીએ તો સીવીક સેન્સ એટલે કે જે તે શહેરને/દેશને લગતી સભ્યતાની સમજણ. આપણા ભારતવર્ષમાં રહેતા લોકો પરસ્પર સન્માનની અને ઐક્ય ની ભાવનાથી એકબીજા સાથે વર્તે, સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવે એ ખુબ જરૂરી. આ રીતે જ દેશ અને સમાજ આગળ વધી શકે.
થોડા ઉદાહરણો દ્વારા સમજીએ. આપણે જાણીએ જ છીએ કે સ્વચ્છ ભારત માટે સૌ પ્રયત્નશીલ છે. છતાં પણ જાહેર જગ્યાઓ પર ગંદકી કરવી, જ્યાં ત્યાં કચરો ફેંકવો, જાહેર ટોઇલેટમાં ગંદકી કરવી, જાહેર ઈમારતોને નુકશાન પહોચાડવું, એ બધું લોકો દ્વારા થયા જ કરે છે ને! આપણા શહેર અને દેશમાં કેટલા અકસ્માતો થયા કરે છે! ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા છતાં આપણામાંથી કેટલા લોકો ટ્રાફિક ના નિયમોથી માહિતગાર છે? કે પછી સભાન છે? પગે ચાલીને જતા લોકોની સલામતી બાબતે કોણ સભાન છે? અને આ બાબતોથી માહિતગાર હોવા છતાં લોકો તેને અવગણે છે, ખરું ને? બાળકને સ્કૂલો દ્વારા સીવીક સેન્સ શીખવવામાં આવે છે, માતા પિતા બાળકને સીવીક સેન્સથી માહિતગાર કરાવે છે. આજનું બાળક આવતીકાલનો નાગરિક ખરો ને! માટે બાળપણથી જ આ ગુણ બાળકમાં વિકસે એ જરૂરી કહેવાય.
બાળક તો કોરી પાટી જેવું છે. જે જોવે એ શીખે. માટે માતા પિતાએ પહેલા તો પોતાનામાં સીવીક સેન્સ વિકસાવવી જરૂરી. બહારગામ જઈએ ત્યારે પોતાના વાહનમાં હોઈએ કે જાહેર પરિવહન – બસ/ટ્રેઈનમાં, કચરો રાખવા એક નાની થેલી સાથે રાખીએ. જેથી કરીને વાહનમાં ગંદકી ન થાય, કે રસ્તા પર કચરો ફેકીને રસ્તો ન બગડે. આપણી કાળજી થકી આપણે બાળક માટે ઉદાહરણ સ્વરૂપ બનીશું. સાવ સાદી વાત કહુંને, કે જો આપણે આપણા ઘરમાં કંઈ ખાઈને કચરો જ્યાં ત્યાં નાખીએ, ગંદકી કરીએ, તો જ જાહેરમાં આમ કરાય.
બાળકને સાવ નાની નાની વાતોથી સમજાવીને સીવીક સેન્સ વિકસાવવામાં મદદ મળે. બાળક સ્કુલેથી આવે એટલે કપડા બદલાવી, કપડા ધોવા નાખે. બુટ ઠેકાણે મુકે, હાથ પગ સાબુથી ધોવે. આ બધું બાળકને શીખવીએ. જમતી વખતે ખોરાકનો બગાડ ન કરે અને જમી લીધા પછી પોતાની થાળી ઠેકાણે મુકે. ઘરમાં કે બહાર પાણીનો બગાડ ન કરે. ઘરે કામ કરતા લોકો ને આદરથી બોલાવે.
બહારથી કોઈ વસ્તુ લેવા બાળકને મોકલીએ ત્યારે ઘરેથી કપડાની થેલી લઈને મોકલીએ, જેથી પ્લાસ્ટીકથી ફેલાતા પ્રદુષણ બાબતે એ માહિતગાર થાય. ઘરની બહાર કચરો નાખીએ ત્યારે પ્લાસ્ટિકની કોથળીમાં ન નાખવો જોઈએ. ગાય એ પ્લાસ્ટિક ખાય તો કેટલું નુકશાનકારક એ બાળકને સમજાવીએ.
ચાર રસ્તે લાલ લાઈટ છે તો ઉભા રહેવું. એમ્બ્યુલન્સ ને રસ્તા પરથી જવામાં પ્રાધાન્ય આપવું. બ્રીજ પર ઓવરટેઇક ન કરાય, કે બ્રીજ પર વધુ સ્પીડથી વાહન પણ ન ચલાવાય. ઓવર સ્પીડીંગ ન કરાય, પણ યોગ્ય સ્પીડથી વાહન ચલાવાય, એ વાત બાળકને આપણે સમજાવીએ ત્યારે આપણે પણ વાહન ધીમે ચલાવીએ. વારંવાર હોર્ન વગાડવા કરતા આપણે પરિસ્થિતિ જોઇને હોર્ન વગાડીએ એ વ્યાજબી ખરું કે નહિ? એ વાત બાળકને યોગ્ય રીતે સમજાવીએ. બાકી તો ઘણા લોકો એવા પણ હોય છે કે વાહનોની લાઈન લાગી હોય અને સહુથી પાછળ આવી હોર્ન વગાડે! હાસ્યસ્પદ લાગે છે ને?
જાહેર જગ્યાઓમાં બાળકને સાથે લઈને જઈએ તો કચરો કચરાપેટીમાં નાખવા સમજાવવું. ટોઇલેટ નો ઉપયોગ કરીને સફાઈનું ધ્યાન રાખવું. જાહેર જગ્યાઓને, કે જાહેરમાં આવેલ વૃક્ષોને કંઈ લખાણ કરીને ગંદી ન કરવી જોઈએ, એ બાળકને સમજાવવું.
શોપીંગ મોલ, કોઈ દુકાન જેવી જગ્યાઓએ બાળકને કઈ રીતે વર્તવું એ સમજાવી ને પછી લઇ જવું. અજાણી જગ્યાએ બાળક સાથે હોય એ વડીલનો હાથ છોડાવે નહિ એ ખાસ કાળજી રાખવી. ઘણી વાર થીયેટરમાં અંધારાને કારણે બાળક ડરી જાય અને રડવા લાગે એના કરતા એને ઘરેથી જ માનસિક તૈયાર કરીને લઇ જવું. જો કે બધી ફિલ્મો બાળકને બતાવી શકાય એવી નથી હોતી, માટે થીયેટરમાં બાળકને લઇ જવાનો મોહ ન રાખવો.
અને આવી તો ઘણી નાની નાની બાબતો છે, જેના માટે આપણે બાળકને સભાનપણે સમજાવીને, આપણે જ બાળક માટે ઉદાહરણ રૂપ બનીને તેનામાં સીવીક સેન્સ વિકસાવી શકીએ.
ફરીથી કહીશ કે આજનો બાળક આવતીકાલનો નાગરિક છે. અને યોગ્ય સીવીક સેન્સ થકી બાળકનું અને એવી રીતે દેશનું ભવિષ્ય ઘડતર સરસ રીતે થશે.
ડો. ચારુતા ગણાત્રા ઠકરાર
એમ.ડી.(હોમિયોપેથી)
કન્સલ્ટીંગ હોમીયોપેથ


