બાળક માટે એકમત બનો
નાના બાળકો હોય એ પરિવારોમાં મોટાભાગે આવુ કંઇક દ્રશ્ય ભજવાય છે. આ વાંચ્યા પછી તમે સૌ પણ મારી સાથે સહમત થશો.
‘મમ્મી, ચોકલેટ ખાવી છે.’
‘ના, આજે નહીં, હજી કાલે જ તારા ફ્રેન્ડના જન્મદિવસમાં કેક ખાધી હતી. અને હજી રવિવારે પણ પ્રસંગમાં જશું તો ત્યાં પણ ખોરાકમાં ફેરફાર થશે.’
‘ના…આજે જ..’ આરવ પગ પછાડી, રડીને બોલ્યો.
‘કેમ આરવ રડે છે?’ દાદા રાજેશભાઈ ત્યાં આવીને પૂછવા લાગ્યા.
‘દાદા, મમ્મી મને ચોકલેટ ખાવાની ના પાડે છે.’ આરવ દાદાને વળગી ગયો.
‘મમ્મીએ કહ્યું એમ કરવાનું દીકરા. મમ્મી તારી સ્ટ્રોંગ હેલ્થ માટે કહે છે.’ દાદા રાજેશભાઈએ સ્પષ્ટતાથી આરવને સમજાવ્યો. દાદી વાસુધાબહેન કંઇક બોલવા જતા હતા, પણ રાજેશભાઈએ તેમને અટકાવી દીધા. આરવના મમ્મી પપ્પા જ્હાન્વીબેન અને મંદારભાઈએ પણ આ વાતની નોંધ લીધી.
આરવ તો દાદાની સ્પષ્ટ વાત સાંભળી બહાર રમવા ચાલ્યો ગયો, કેમ કે ઘરમાં હાજર કોઈ વ્યક્તિએ એનો પક્ષ ન લીધો. અને આરવ બહાર એના મિત્રો સાથે રમવા ચાલ્યો ગયો. આરવ આમ ડાહ્યો દીકરો, પણ ગમે એમ તો યે બાળક. ખાવાની કોઈ વસ્તુ જોવે એટલે એને મન થઇ જ જવાનું. અને ચોકલેટ તો બાળકો કે મોટા, બધાને પસંદ પડે જ.
‘થેંક યુ પપ્પા. તમે મારો પક્ષ લઈને આરવને સમજાવ્યો. આ વાત આરવ કાયમ યાદ રાખશે. બાકી મારી ફ્રેન્ડ દેવાંશીના ઘરમાં દેવાંશી એની દીકરી પ્રીતા માટે કંઈ પણ કાળજી રાખવાની કરે, એની વાતનો તરત છેદ ઉડી જાય. કેમ કે ઘરની કોઈ ને કોઈ વ્યક્તિ પ્રીતાની વાત માની લે. આમ ને આમ પ્રીતા જીદ્દી બની ગઈ છે. અને એની મમ્મી દેવાંશી, પ્રીતા માટે અળખામણી.’ જ્હાન્વીબેન બોલ્યા.
‘બેટા, તારા પપ્પાએ મને પણ રોકી દીધી, એ બરાબર કર્યુ. હું દાદી છુ ને. તો પ્રેમને કારણે આરવનો પક્ષ લઇ બેસત. પણ જયારે બાળકના ભલાની વાત આવે છે, તો ઘરમાં સૌ એ એકમત જ રહેવુ જોઈએ.’ વસુધા બહેન બોલ્યા.
‘બેટા, તારી ભૂલ હતી જ નહીં, એટલે તારો જ પક્ષ લેવાનો હોય. પણ કદાચેય તારી ભૂલ હોત ને, તો પણ હું આરવની હાજરીમાં તારા પક્ષે જ રહેત, કારણકે આ તબક્કે જો હું તારી ઉપરવટ જાઉં તો આરવ માટે હંમેશા તારો નિર્ણય સંપૂર્ણ માન્ય ન રહે. હા, તારી ભૂલ હોય તો આરવ ન હોય ત્યારે હું તને ટપારી લેત, મારી દીકરી.’ રાજેશભાઈ હસીને બોલ્યા.
અને હસતા હસતા સૌ પોતપોતાના કામે લાગ્યા. જ્હાન્વીબેન અને મંદારભાઈને રાજેશભાઈ અને વસુધાબહેનની વિચારસરણી માટે માન ઉપજ્યુ.
************
ઘણા પરિવારોમાં આવા દ્રશ્યો ભજવતા જ હશે. કારણ કે બાળક નાનું હોય ત્યારે પોતાનું ભલું કે બુરુ નથી જાણતુ. કોઈ વસ્તુ ગમી ગઈ તો લેવી છે, ભાવે એ ખાવુ છે, અને પોષણક્ષમ વસ્તુ નથી ખાવી. ફ્રેન્ડ ખરીદે એવી વસ્તુ લેવી છે… આવુ તો કંઈ કેટલુ ચાલતુ હોય. પણ દરેક વાતમાં બાળક કહે એમ ન કરાય એ આપણે જાણીએ છીએ. નહીંતર બાળક જીદ્દી બને છે.
પણ દરેક વખતે બાળકની હાજરીમાં ઉગ્ર ચર્ચાઓ પણ ન કરાય. મમ્મીએ કે પપ્પાએ કે ઘરની કોઈ વ્યક્તિએ કંઈ વસ્તુ આપવાની ના પાડી, એટલે એ બાળક માટે ‘ના’ જ રહેવી જોઈએ. જો એ સમયે એક વ્યક્તિ, બીજી વ્યક્તિની ઉપરવટ જઈને બાળકની માંગણી પૂરી કરશે, તો બાળકને તો એ જ જોઈએ છે. એ તો ખુશ થઇ જશે. પણ ધીમે ધીમે બાળક ભોળપણ ને બદલે લુચ્ચાઈ કરવા લાગશે, અને એ પેરેન્ટ્સની જાણ બહાર રહેશે. જે છેવટે બાળક માટે નુકશાનકારક છે.
બાળક એક કુમળું ફૂલ છે. એને જે શીખવશો એ શીખશે. છેવટે તો, બાળકના ભલા માટે પરિવારના સૌ સભ્યો એકમત રહો એ જરૂરી છે.
ડૉ. ચારૂતા ગણાત્રા ઠકરાર
એમ.ડી.(હોમીયોપેથી)
કન્સલ્ટીંગ હોમીયોપેથ, રાજકોટ.


