ગોંડલના ઉમવાડા ચોકડી નજીક વિદેશી દારૂની ૨૫૪૧૬ બોટલ ભરેલુ કચ્છનું કન્ટેનર ઝડપાયું
પ૯.3૨ લાખના દારૂ સહિત રૂ.૮૯.3૨ લાખનો મુદામાલ જપ્ત : ડ્રાઇવર નાશી છુટયો
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલનાં નેશનલ હાઇવે પર ઉમવાડા ચોકડી નજીક ગત રાત્રીનાં બી’ડીવીઝન પોલીસે કચ્છ પાસીંગ નાં પસાર થઇ રહેલા કન્ટેનરને અટકાવી તલાસી લેતા તેમાથી રૂ.59,32,320 ની કિંમત નો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા કન્ટેનર સહિત રૂ.89,32,320 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.કન્ટેનર થોભાવી તેનો ચાલક અંધારામાં નાશી છુટ્યો હોય પોલીસે તેની શોધખોળ શ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીનાં આઠનાં સુમારે બી’ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ. જી.એસ.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડાંગર, કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, મદનસિંહ ચૌહાણ સહિત નો પોલીસ સ્ટાફ નેશનલ હાઇવે પર ઉમવાડા ચોકડી નજીક વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યો હતો.
એ સમયે જીજે 12 ઝેડ 1211 નંબરનાં પસાર થઇ રહેલા કન્ટેનરને અટકાવતા કન્ટેનર થોભાવી તેનો ડ્રાઇવર પલભરમાં અંધારાનો લાભ લઇ નાશી છુટયો હોય પોલીસ ને શંકાસ્પદ જણાતાં કન્ટેનર ની તલાશી હાથ ધરતા તે વિદેશી દારૂની પેટીઓ થી ભરેલું નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી.
દરમ્યાન કન્ટેનર બી’ડીવીઝન પોલીસ મથકે લઇ જઇ વિદેશી દારૂનાં જથ્થાની ગણતરી કરતા વિદેશી દારુની અલગ-અલગ બ્રાન્ડની ચપલા સહિત 25416 બોટલ સાથે 940 પેટી મળી આવી હતી.પોલીસે રૂ.59,32,320ની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો તથા રૂ.3 લાખની કિંમતનાં કન્ટેનર સાથે રૂા.89,32,320 નો મુદ્દામાલ જપ્ત કરી નાશી છુટેલા ચાલક ને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
કન્ટેનરમાં માત્ર ડ્રાઇવર હતો કે સાથે અન્ય કોઇ પણ હતુ તથા દારૂનો જથ્થો કોણે મોકલ્યો અને ક્યાં પંહોચતો કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


