ગુજરાત ટાઈટન્સની બસમાં શોર્ટ સર્કિટથી આગ, કપ્તાન સહિતના ખેલાડીઓ સલામત
બસમાં સર્જાયેલી ખામીથી તંત્રમાં દોડધામ: એક કલાક રસ્તા પર કાઢી ખેલાડીઓએ: મોટી દુર્ઘટના ટળતા રાહત
અગ્ર ગુજરાત, અમદાવાદ
IPL-2026ની ફાઈનલના આ નિરાશાજનક અંત બાદ, રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી હતી. PTIના રિપોર્ટ્સ મુજબ ફાઈનલ પછી રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈને અમદાવાદની હોટેલ પર પરત ફરી રહી હતી, ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે બસમાં ધૂમાડો ફેલાયો હતો. સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ મોટી જાનહાની કે નુકસાન થયું ન હતું. આ ઘટનાને કારણે પ્લેયર્સે લગભગ એક કલાક સુધી રસ્તા પર જ અટવાઈ રહેવું પડ્યું હતું. અમદાવાદના ભાટ ગામ નજીક આવેલા એપોલો સર્કલ રિંગ રોડ પર ટીમની બસમાંથી ધુમાડો નીકળતો હતો. પોલીસ અને બસના ડ્રાઈવરને જાણ થતા તાત્કાલિક તમામ પ્લેયર્સ અને સ્ટાફને બસમાંથી ઉતાર્યા હતા
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સને પહેલાથી જ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ બાદ જ્યારે ટીમ સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહી હતી, ત્યારે જ રસ્તામાં બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે બસને રોકવી પડી હતી અને ખેલાડીઓ અંદાજે એક કલાક સુધી રોડ પર જ ફસાયેલા રહ્યા હતા. જોકે, રાહતની વાત એ રહી કે કોઈ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. આ પછી તાત્કાલિક તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને બાદમાં બીજી બસ કરીને તેમને હોટેલ પહોંચાડ્યા હતા.
ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરી. જેમાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નીચે જમીન પર બેસેલો દેખાય છે અને કેપ્શનમાં ‘બ્રેકડાઉન’ લખ્યું છે. એવું માની શકાય કે બસમાં શોર્ટ સર્કિટ થઈ હોય, ત્યારનો આ ફોટો હોય શકે તેવી ચર્ચા થઈ રહી છે.


